Wednesday, May 27, 2026
Homeરાજ્યજામનગરડાયાબિટીસ આંખોની રોશની છીનવી શકે છે, જાણો બચાવના ઉપાય - 10 જૂને...

ડાયાબિટીસ આંખોની રોશની છીનવી શકે છે, જાણો બચાવના ઉપાય – 10 જૂને જામનગરમાં સેમીનાર – VIDEO

રેટિના સંબંધિત ગંભીર સમસ્યાઓ અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન, નિ:શુલ્ક પ્રવેશ સાથે જનજાગૃતિ અભિયાન

જામનગર શહેરમાં આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન આગામી તા. 10 જૂન, બુધવારના રોજ કરવામાં આવ્યું છે. શહેરના જાણીતા તબિયત તજજ્ઞ ડોક્ટર ભાવેશ પટેલના પુત્ર અને આંખના રોગોના નિષ્ણાત ડો. જીત ભાવેશ પટેલ દ્વારા ડાયાબિટીસ અને તેની આંખો પર થતી ગંભીર અસરો અંગે વિશેષ સેમીનાર યોજાશે. આ કાર્યક્રમ જામનગરના ધન્વંતરી હોલ ખાતે યોજાનાર છે.

- Advertisement -

જામનગરની જાણીતી અર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ આઈ કેર હોસ્પિટલ દ્વારા આયોજિત આ સેમીનારમાં લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટ સંયુક્ત સહયોગી તરીકે જોડાશે. ઉપરાંત આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતી ઈંઝછઅ તેમજ શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી સંસ્થા પણ સહભાગી બનશે. કાર્યક્રમમાં મીડિયા પાર્ટનર તરીકે ખબર ગુજરાત જોડાયું છે.

- Advertisement -

ડાયાબિટીસ આજના સમયમાં ઝડપથી વધતો અને સામાન્ય બની રહેલો રોગ છે. ઘણા દર્દીઓમાં આ રોગ વારસાગત રીતે પણ જોવા મળે છે. ઘણીવાર લોકો ડાયાબિટીસને ગંભીરતાથી લેતા નથી અથવા સમયસર તેનું નિયંત્રણ રાખતા નથી, જેના કારણે શરીરના વિવિધ અંગો પર તેની ગંભીર અસર થતી હોય છે. ખાસ કરીને આંખો પર તેની અસર સૌથી જોખમી માનવામાં આવે છે.

તબીબોના જણાવ્યા મુજબ ડાયાબિટીસનું પ્રમાણ વધતા આંખના રેટિના પર અસર થવાની શક્યતા વધી જાય છે. આંખના પડદામાં લોહી ઉતરવું, નજર સામે કાળા ધાબા દેખાવા, દ્રષ્ટિ ધૂંધળી થવી જેવી સમસ્યાઓ ડાયાબિટિક રેટિનોપથીના લક્ષણો હોઈ શકે છે. સમયસર સારવાર અને યોગ્ય કાળજી ન લેવામાં આવે તો દર્દીને આંખની દ્રષ્ટિ ગુમાવવાનો પણ વારો આવી શકે છે.

- Advertisement -

આ ગંભીર વિષય અંગે લોકોને જાગૃત કરવા માટે આયોજિત આ વિશેષ સેમીનારમાં ડાયાબિટીસ નિષ્ણાતો દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ રેટિના અને આંખોની સુરક્ષા અંગે ડો. જીત પટેલ વિશેષ માહિતી આપશે. કાર્યક્રમમાં ડાયાબિટીસના દર્દીઓ, આંખ સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકો તેમજ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા ઇચ્છતા તમામ નાગરિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે. આયોજકોનું માનવું છે કે કોઈપણ ગંભીર બીમારી સામે બચાવ માટે સમયસર સાવચેતી અને યોગ્ય જાણકારી સૌથી અગત્યની છે. ડાયાબિટીસ અને તેની આંખો પર થતી અસરો અંગે લોકોને માહિતગાર કરીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ આ સેમીનારનો છે.

જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોના લોકો સુધી આરોગ્ય અંગે યોગ્ય માર્ગદર્શન પહોંચે તે માટે પાંચ સંસ્થાઓ એકસાથે જોડાઈ આ જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવા પ્રયાસ કરી રહી છે.

લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટના સક્રિય સભ્ય અમરજીતસિંહ દ્વારા શહેરના નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી સેમીનારનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular