દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. જામ કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ દ્વારા એક પણ ફોર્મ ન ભરાતા કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખપદના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ જીત સાથે જ કલ્યાણપુર તાલુકા પંચાયતનું શાસન કોંગ્રેસના ફાળે ગયું છે અને સંચાલનની સંપૂર્ણ ધુરા મહિલા શક્તિના હાથમાં સોંપાઈ છે.
મળતી માહિતી મુજબ કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરવાની આખરી મુદત
તા. 24-05-2026ના રોજ નક્કી કરવામાં આવી હતી. આ નિયત સમયમર્યાદા દરમિયાન સત્તાધારી પક્ષ ભાજપ
તરફથી પ્રમુખ કે ઉપપ્રમુખપદ માટે એક પણ ઉમેદવારીપત્ર રજૂ કરવામાં આવ્યું ન હતું.
સામેપક્ષે કોંગ્રેસ તરફથી પ્રમુખપદ માટે પુરીબેન બાબુભાઈ ગોજીયા અને ઉપપ્રમુખપદ માટે લાખીબેન રામભાઈ કરમુર દ્વારા જ ફોર્મ ભરવામાં આવ્યા હોવાથી ચૂંટણી અધિકારી દ્વારા બંને મહિલા ઉમેદવારોને સત્તાવાર રીતે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપરાંત તાલુકા પંચાયતના અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પણ કોંગ્રેસ દ્વારા પસંદગી પ્રક્રિયા આટોપી લેવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના દંડક તરીકે ગંગાબેન જયસુખભાઈ ખાણધર અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે ગોગનભાઈ ભીખાભાઈ રાઠોડની વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કલ્યાણપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મેળવેલી આ બિનહરીફ જીત બાદ પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુ એક મહત્વની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મહિલા સંચાલન હસ્તક થવા પામી છે, જેનાથી બારાડી પંથકના ગ્રામીણ વિસ્તારોના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


