Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરરાજ્યપાલે આપ્યું પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન

રાજ્યપાલે આપ્યું પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન

દરેક ખેડૂતોને ઘરમાં એક દેશી ગાય રાખવા રાજયપાલની અપીલ : પ્રાકૃતિક ખેતી જ આપણા દેશની ઓળખ રહી છે : જામનગરમાં યોજાયેલી કૃષિ શિબિરમાં ખેડૂતોને રાજયપાલનું સંબોધન

- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગરના ટાઉનહોલમાં આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો પ્રારંભ થયો છે. આ સાથે જ રાજયપાલે અહીં આયોજિત કૃષિ શિબિર અંતર્ગત લગાવવામાં આવેલાં જુદા-જુદા કૃષિ સ્ટોલ પણ ખુલ્લા મૂકયા હતા.

- Advertisement -

કૃષિ શિબિરમાં ઉપસ્થિત કૃષિ આગેવાનો, તજજ્ઞોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આઝાદી પહેલાં એટલે કે, 60, 70 વર્ષ પહેલાં કયાંય રાસાયણિક ખેતી થતી ન હતી. વર્ષોથી ભારત કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. ભારતની ખેતી હંમેશા સમૃધ્ધ રહી છે. કૃષકોની મહેનતને પરિણામે ભારત અન્નનો ભંડાર બની રહ્યો છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી એ ખર્ચ વગરની ખેતી છે. જે માત્ર ખેડૂતોની મહેનત પર નિર્ભર રહે છે.

- Advertisement -

ભારતનો ખેતીનો ઇતિહાસ ખૂબજ જૂનો રહ્યો છે. તેમણે રાજા કુરૂનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, તેમણે સોનાનું હળ બનાવીને ખેતી કરી હતી. વર્ષો પહેલાં ખેતીના પરિણામે ખેડૂતે આત્મહત્યા કરી હોય તેવો એક પણ કિસ્સો સામે આવતો ન હતો. તે સમયે પ્રાકૃતિક ખેતી જ થતી હતી. આજે ફરીથી દેશમાં પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા ઉભી થઇ છે. તેમણે એમ પણ કહ્યું કે, લોકોને ઝેરવાળું અનાજ ખવડાવી અને તે હોસ્પિટલ જાય પછી આપણે મંદિરમાં પુણ્ય કમાવવા માટે પ્રાર્થના કરીએ તેનો શું ફાયદો ?

પ્રાકૃતિક ખેતી કરવાથી એક જ વર્ષમાં જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણુ હોય છે. ગાયનું છાણ અને ગૌ મૂત્ર જમીનની ફળદ્રુપતા વધારે છે. તેમણે ખેડૂતોને ઘરમાં એક દેશી ગાય રાખવા અપીલ કરી હતી. આ અગાઉ રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગરમાં રાજયપાલને આવકારતા જણાવ્યું હતું કે, જામનગર અને દ્વારકાના ખેડૂતોને રાજયપાલ પોતે પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવા માટે પહોંચ્યા છે. તે આપણા માટે ગૌરવની વાત છે. આ માટે તેમણે આભારની લાગણી પ્રદર્શિત કરી હતી. તેમણે કહ્યું કે, રાસાયણિક ખેતીથી પાક બગડે છે. અગાઉ વિદેશમાં જીરૂંની નિકાસ થઇ હતી. પરંતુ રાસાયણિક ખાતરના ઉપયોગથી જીરૂ પકવવામાં આવ્યું હોવાને કારણે અડધું જીંરૂ પાછું આવ્યું હતું. કૃષિમંત્રીએ કહ્રયું કે, રાસાયણિક ખાતરના ઉત્પાદન અને સબસિડી પાછળ અબજો કરોડો રૂપિયાનું ખર્ચ થાય છે. તેમજ આયાત પણ કરવું પડે છે. ત્યારે ખાતરની ઝંજટમાંથી મુકત થવા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે. તેમણે ખેડૂતોને આ માટે હાથ જોડીને વિનંતી કરી હતી. રાજયપાલે કાર્યક્રમના સ્થળે પ્રાકૃતિક કૃષિ સંબંધિત માર્ગદર્શન આપતાં જુદા-જુદા સ્ટોલ પણ ખુલ્લા મૂકયા હતા આ સ્ટોલમાં ખેડુતો માટે જુદા-જુદા ઉત્પાદનો રાખવામાં આવ્યા છે. કાર્યક્રમમાં રાજયપાલ સાથે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય હકુભા જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, જામનગર જિલ્લાના પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય ઉપરાંત મહંત દેવપ્રસાદજી, કલેકટર સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, એસ.પી. પ્રેમસુખ ડેલુ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કગથરા, ડૉ. પી.બી. વસોયા, મેઘજીભાઇ ચાવડા સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં બન્ને જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular