દિવાળી જેવા તહેવાર માથે છે અને બીજી તરફ મોંઘવારી રાજાની કુંવરી માફક દિવસે ન વધે તેટલી રાતે વધે છે અને રાતે ન વધે તેટલી દિવસે વધે જેવો ઘાટ થયો છે. અદાણી અને ગુજરાત ગેસ વચ્ચે ભાવ વધારાની સ્પર્ધા જામી છે. જેમાં અદાણી ગેસ દ્વારા આડેધડ વધારો ઝીંકવામાં આવ્યા બાદ હવે ગુજરાત ગેસે પણ સીએનજીમાં રૂ.2.68 અને પીએનજીમાં રૂ.1.35નો વધારો ઝીંક્યો છે. પખવાડિયામાં અદાણી ગેસ દ્વારા સીએનજીમાં અંદાજે રૂ.5 જેટલો અને પીએનજીમાં ટુકડે ટુકડે અંદાજે રૂ.7 જેટલો વધારો ઝીંકવામાં આવ્યો છે. જ્યારે ગુજરાત ગેસ દ્વારા બે વખત ભાવ વધારીને સીએનજીમાં રૂ.5.18 અને પીએનજીમાં રૂ.3.19નો વધારો ઝીંકવામાં આવ્યો છે.
પેટ્રોલ અને ડીઝલમાં રૂ.100થી ભાવ થઈ જવાના પગલે મોટાભાગના લોકો હવે સીએનજી વાહનો તરફ વળી રહ્યાં છે. પરંતુ નેચરલ ગેસના ભાવમાં સરકારે વધારો કરતા સીજીડી બિઝનેસ સંકળાયેલી કંપનીઓએ પણ ભાવ વધારવાનું શરૃ કર્યું છે. અદાણી ગેસ દ્વારા 1 ઓક્ટોબર પછી ત્રણ વખત વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ કંપનીઓ માત્ર સીએનજીના ભાવ જ નથી વધારતી પણ પીએનજીમાં પણ વધારો કરતી હોવાના કારણે ઘર વપરાશના ગેસના બીલમાં પણ વધારો આવશે. કોરોનાના કારણે દરેક વર્ગના લોકો પરેશાન છે. બીજી લહેર પછી ત્રીજી લહેર આવશે કે નહીં તે નક્કી નથી. બીજી લહેર પછી લોકો માંડ માંડ બેઠા થઈ રહ્યાં છે ત્યારે ગેસના ભાવમાં વધારો ઝીંકાવાના કારણે મધ્યમવર્ગની કમર ભાંગી ગઈ છે.
ગુજરાત ગેસ દ્વારા પીએનજીના ભાવમાં રૂ.1.35નો વધારો કરવામાં આવતા રૂ.25.75 ભાવ હતો તે વધીને રૂ.27.10 થયો છે. તેમાં હજુ ટેક્સ એક્સ્ટ્રા લાગે તે અલગ. જ્યારે સીએનજીના ભાવ રૂ.58.10 હતા તેમાં રૂ.2.68નો વધારો કરવામાં આવતા નવો ભાવ રૂ.60.78 થયો છે.