જામનગર ધોરીમાર્ગ પર ગત મોડી રાત્રિના સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પીકઅપ વાન તથા ટ્રકની જીવલેણ ટક્કર સર્જાઈ હતી. જેના કારણે પીકઅપ વાહનમાં જઈ રહેલા એક તરુણ તથા એક યુવાનના મોત નીપજ્યા હતા.
આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 12 કિલોમીટર દૂર આરાધના ધામ નજીક ગત મધ્યરાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યાના સમયે એક ટ્રકની પાછળ બોલેરો જેવા પીકઅપ વાહનની ધડાકાભેર ટક્કર થવા પામી હતી. આ અકસ્માતમાં પીકઅપ વાહનમાં જઈ રહેલા ત્રણ વ્યક્તિઓ પૈકી અર્જુન ખેમલાલ મહિલાંગ (ઉ.વ.14) નામના તરૂણ તેમજ કમલેશ ગુડ્ડુ નામના એક વ્યક્તિના ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે આ વાહનના ચાલક કૌશિકભાઈ પરમારનો બચાવ થયો હતો. આ અકસ્માત બનતા ઇમર્જન્સી 108 તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે પીકઅપ વાનમાંથી તેની બોડી કટર વડે તોડીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ મૃતદેહ તેમજ ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
View this post on Instagram
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે પણ ઘટના સ્થળે દોડી ગઈ નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી કરી હતી. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.


