રાજકોટથી મોરબી જતાં આંગડિયા પેઢીના સંચાલક સહિતની બે વ્યકિતઓના કારનો પીછો કરી ધોકા અને પાઇપ વડે હુમલો કરી રૂપિયા 90 લાખની લૂંટમાં ટંકારા પોલીસે વધુ એક આરોપીને રૂા. એક લાખની રોકડ સહિતના મુદામાલ સાથે દબોચી લીધો હતો.
બનાવની વિગત મુજબ રાજકોટમાં રહેતાં નિલેશભાઇ મનસુખભાઇ ભાલોડી અને જયસુખભાઇ સુંદરજીભાઇ ફેફર નામના ટી એન્ટરપ્રાઇઝ (ટીટેનિયમ) નામની આંગડિયા પેઢીના રૂપિયા 90 લાખ રોકડા લઇને તેમની જીજે03-એનકે-3502 નંબરની એકસીયુવી કારમાં મોરબી તરફ જતા હતા ત્યારે બલેનો અને પોલો કારમાં આવેલા સાતેક જેટલા અજાણ્યા શખ્સોએ કારને ઠોકર મારી છરી, ધોકા અને પાઇપ વડે હુમલો કરી રૂપિયા 90 લાખની લૂંટ ગત્ તા. 21 મેના રોજ થઇ હતી. આ બનાવમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સૂચનાથી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ડીવાયએસપી સમીર સારડા, પીઆઇ કે એમ છાસિયા, એએસઆઇ સુરેશભાઇ સોસા, જીતેન્દ્રભાઇ ભાલોડિયા, ભાવેશભાઇ વરમોરા, હે.કો. જશપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, હરપાલસિંહ ઝાલા, પો.કો. પંકજભાઇ ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, બળવંતભાઇ દેગામા અને રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે આ લૂંટના બનાવમાં ગણતરીના કલાકોમાં જ નાકાબંધી કરી અભિલાલા અલગોતર અને અભિજીત ભાવેશ ભાર્ગવ (રહે. ભાવનગર) નામના બે શખ્સોને આંતરીને રૂા. 72,50,000ની રોકડ અને કાર સહિત રૂા. 81,50,000નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસે બન્ને આરોપીઓની પૂછપરછ હાથ ધરતાં આ લૂંટમાં આશરો આપનાર ટંકારા તાલુકાના લગધીરગઢ ગામનો વતની દિગ્વિજય અમરશી ઢેઢી નામના શખ્સને જબલપુર ગામની સીમમાં કારખાનું ચલાવે છે. જેની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત આ ગુનામાં હિતેષ ચાવડા, નિકુલ અલગોતર, દર્શિલ ભરવાડ, અલ્પેશ પરમાર અને મેહુલ ઉર્ફે કાનો આહિરની સંડોવણી ખુલી હતી. તપાસ દરમ્યાન આ પૈકીનો આરોપી હિતેશ ચાવડા પાલિતાણા ગામના દુધાળા ગામની સીમમાં આવેલા વિજાઆપાના આશ્રમમાં હોવાની બાતમના આધારે ટંકારા પોલીસે હિતેશ પાંચાભાઇ ચાવડા (ઉ.વ.31) (રહે. સાંજણાસર તા. પાલીતાણા, જિ. ભાવનગર) નામના શખ્સને લૂંટ કરેલી એક લાખની રોકડ રકમ સાથે દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં પરેશ જોગરાણા, દર્શિલ બોલિયા, અને અન્ય એક વ્યક્તિ સાથે રાજસ્થાન ફરવા ગયો હતો ત્યારે તેના મિત્ર અને સહઆરોપી અલ્પેશ પરમાર, મેહુલ ઉર્ફે કાનો આહિર નામના બન્નેએ જણાવ્યું હતું કે, રાજકોટથી મોરબી દરરોજ આંગડિયા પેઢીની જંગી રકમ કારમાં જાય છે અને આ કારને આંતરીને લૂંટ કરવાની છે તેમ વાત કરી અલ્પેશ પરમારે મોબાઇલ ફોનમાં લોકેશન મોકલેલ. જે લોકેશનના આધારે હિતેશ ચાવડા, પરેશ જોગરાણા, દર્શિલ બોલિયા નામના ત્રણેય શખ્સો રાજસ્થાનથી સીધા ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલા બાલાજી કોઇર નામના કારખાનામાં લૂંટના બે દિવસ પહેલા એટલે કે 19 મેના રોજ આવ્યા હતા. જ્યાં અલ્પેશ પરમાર, મેહુલ ઉર્ફે કાનો આહિર તથા કારખાનેદાર દિગ્વિજય પટેલ હાજર હતા અને આ બધાંએ સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
તેમજ લૂંટના એક દિવસ પહેલાં એટલે કે 20 મેના રોજ હિતેશ ચાવડાની બલેનો કારમાં રાજકોટ બેડી ચોકડીએ આંગડિયા પેઢીની કારની રેકી કરી હતી. પરંતુ લૂંટ શક્ય ન હોય અને વધુ માણસોની જરુરિયાત જણાતા હિતેશ ચાવડાએ તેના મિત્રો અભિ અલગોતર, અભીજીત ભાવેશ ભાર્ગવ અને નિકુલ અલગોતર (રહે. ભાવનગર) નામના ત્રણેય શખ્સોને પોલો કાર સાથે ટંકારા ખાતે બોલાવી બાલાજી કોઇર કારખાનામાં લૂંટનો પ્લાન બનાવી લાકડાના ધોકા, છરી અને પાઇપ જેવા હથિયારો સાથે ફૂલપ્રુફ પ્લાન સાથે તા. 21 મેના રોજ મીતાણા ગામમાં ચામુંડા હોટલ નજીક પોલો કારથી એકસયુવી 300 ને ઠોકર મારી હતી પરંતુ એકસયુવી ઉભી ન રહેતા બલેનો કારથી હિતેશ ચાવડા તથા અન્યએ પીછો કરી એકસયુવીને અટકાવી લૂંટ ચલાવી હતી. તેમજ પોલીસે હિતેશની પૂછપરછ હાથ ધરી આ લૂંટમાં હજી અન્ય કોઇ આરોપીઓની સંડોવણી છે કે કેમ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.