જામનગર તાલુકાના તમાચણ ગામમાં આવેલા રેલવે ફાટક (એલસી 163) ખોલવાની ગેઈટ કીપરે ના પાડતા થાર કારના ચાલકે ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ગાળો કાઢી ફડાકા ઝીંકી ઓફીસનો ટેલીફોન તોડી નાખી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણી ગામમાં રહેતાં અને જામનગર તાલુકાના તમાચણ ગામમાં આવેલા રેલવે ફાટક (એલસી 163) ઉપર ગેઈટ કીપર તરીકે ફરજ બજાવતા રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લાના નારાયણપુર ગામના વતની અમરસીંગ પ્યારેલાલ મીણા ગત તા.9 ના રોજ બપોરના સમયે તેની સરકારી ફરજ ઉપર હતાં ત્યારે ટે્રન આવવાની હોવાથી 14:20 કલાકે રેલવે ફાટક બંધ કર્યુ હતું. જેથી જીજે-03-એનપી-5930 નંબરની થાર કારના ચાલકે કારમાંથી ઉતરીને ગેઈટ કીપરની ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ‘ફાટક ખોલ, મારે ઉતાવળ છે’ જેથી ગેઈટ કીપરે ફાટક ખોલવાની ના પાડતા શખ્સે જેમ ફાવે તેમ ગાળો કાઢી ગેઈટ કીપરને ઝાપટ મારી અને ડાબા હાથમાં નખ બેસાડી દઈ સરકારી ઓફિસનો ટેલીફોન તોડી નાખ્યો હતો અને સરકારી પ્રોપર્ટીને નુકસાન કરી ગેઈટ કીપરને મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી.
આ બનાવ અંગે પોલીસમાં જાણ કરાતા એએસઆઈ એસ.જી. જાડેજા તથા સ્ટાફે થારના નંબરના આધારે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


