જામનગર એરપોર્ટ પર આજે બપોરે લગભગ 4 વાગ્યે એક વિમાન દુર્ઘટનાની ઘટના બની, જોકે આ દુર્ઘટના વાસ્તવિક નહોતી, પરંતુ એરપોર્ટ ઓથોરિટીની પૂર્વનિયોજિત મોકડ્રીલ હતી, જેમાં વિમાન દુર્ઘટના જેવી પરિસ્થિતિ ઊભી કરીને તમામ સંબંધી સંસ્થાઓની તત્પરતા અને તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી.
એક વિમાનના ઇન્જિનમાં આગ લાગી હોવાનો દૃશ્ય રચાયો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે એરફોર્સની ફાયર વિભાગ ઘટનાસ્થળે ઝડપી પહોંચેલી અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. કેટલાક યાત્રીઓને ઇજા પહોંચી હતી જેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી અને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં પોલીસ તેમજ અન્ય બચાવ સંસ્થાઓએ પણ ઝડપી કાર્યવાહી કરી હતી. આ સમગ્ર મોકડ્રીલનો હેતુ આપાતકાલીન સ્થિતિમાં તંત્રની તૈયારી અને સંકલિત કામગીરીની ચકાસણી કરવાનો હતો. મોકડ્રીલના તત્કાળ અહેવાલ અનુસાર, દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ એરફોર્સની વિવિધ ટીમ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ, સિવિલ ડિફેન્સ, વહીવટી તંત્ર, ટીમો તેમજ એરપોર્ટ સિક્યોરિટી સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇમર્જન્સી રિસ્પોન્સની પ્રક્રિયા અનુસાર બચાવ અને રાહત કામગીરી ત્વરિત રીતે હાથ ધરવામાં આવી હતી. મોકડ્રીલમાં વિમાનમાં આગ લાગવાની કલ્પિત પરિસ્થિતિ ઉભી કરી હતી. જેમાં આગ બુઝાવવી, ઈજાગ્રસ્તોની મદદ, ટ્રાફિક કંટ્રોલ તથા સંકલનની કામગીરી દ્વારા સંકલિત પ્રતિસાદ નોંધાયો હતો.
જામનગર એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયું છે કે આવી મોકડ્રીલનું આયોજન નિયમિતપણે કરવામાં આવે છે, જેથી કોઈ પણ વાસ્તવિક આપત્તિની ઘડીમાં તાત્કાલિક અને સુસજ્જ પ્રતિસાદ આપી શકાય. અંતે, સમગ્ર મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થઇ હતી અને સંબંધિત દરેક એજન્સીનું સુમેળભર્યું કાર્ય પ્રશંસાપાત્ર ગણાયું હતું.