જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદી ને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે અને રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ ને અનુલક્ષીને નદીના પટના 300 થી વધુ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને બચુનગર વિસ્તારના સંખ્યાબંધ મકાન માલિકો તથા ધંધા ના સ્થળ કે જે જગ્યા ખુલ્લી કરાવવાની છે, તે તમામ સ્થળે અંતિમ નોટિસ પાઠવી દેવાઈ છે.

દરમિયાન આજે જામનગરમહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી ઉપરાંત કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા અને એસ્ટેટ શાખાની ટીમ તેમજ સોલિડ વેસ્ટ શાખાની ટીમ વગેરે દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, રંગમતી નાગમતી નદીના દબાણવાળા વિસ્તારને વહેલી તકે ખુલ્લો કરી દેવા માટે ની તાકીદ કરી હતી.
બચુનગર વિસ્તારના રહેવાસીઓ ને ઉપરોક્ત દબાણ વાળી જગ્યા તાત્કાલિક અસરથી ખાલી કરી દેવા માટેની અંતિમ નોટિસ પાઠવી દેવાઈ હતી. સ્થાનિક રહેવાસીઓ દ્વારા પણ સમય માંગવામાં આવ્યો હતો. જે તમામ પ્રકારની મુદત પૂરી થઈ ગઈ હોવાથી હવે આવતીકાલથી મેગા ડીમોલેશનની તૈયારીઓ ચાલી રહી છે. ચોમાસાની સિઝન શરૂ થઈ જાય તે પહેલાં ઉપરોક્ત તમામ દબાણો દૂર કરી લેવા માટે મહાનગરપાલિકા ની ટીમ સક્રિય બની છે.