જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતાં અને લોન તથા ઇન્સ્યોરન્સની પેઢી ધરાવતાં યુવાનના સમાણા ગામમાં આવેલા બંધ મકાનને તસ્કરોએ દોઢ માસમાં બીજી વખત ટાર્ગેટ બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 6,19,300ની માલમત્તા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ શરૂ કરી છે. તેમજ ઘરકામ કરતી મહિલાના મકાનમાંથી પણ તસ્કરોએ રોકડ અને સોનાના દાગીના મળી રૂા. 65 હજારની માલમત્તા ચોરી કરી ગયા હતાં. પોલીસને ફરીયાદ મળતાની સાથે આરોપીની ઓળખ મેળવીને તેને પકડી પાડેલ સાથે તેની પાસેથી ચોરીનો મુદામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ચોરીના બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા અને લોન તથા ઇન્સ્યોરન્સની જામનગરમાં પેઢી ચલાવતા ચિંતનભાઇ રમણિકભાઇ અજુડિયા (ઉ.વ. 33) નામના યુવાનના માતા-પિતા સમાણા ગામમાં રહે છે અને ગત્ તા. 4ના રોજ પ્રૌઢ દંપતિ જામનગરમાં બેસણા માટે આવ્યું હતું. તે દરમ્યાન પાછળથી તા. 4ના સાંજે ચાર વાગ્યાથી પાંચ તારીખના સવારેના 11 વાગ્યા સુધીના સમય દરમ્યાન બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલો રૂપિયા 1,12,000ની કિંમતનો સોનાનો પેન્ડલવાળો 16 ગ્રામનો ચેઇન, રૂા. 13 હજારની કિંમતના 3 નંગ ચગદાં અને રૂા. 1200ની કિંમતના નાકમાં પહેરવાના 2 નંગ દાણા, રૂા. 2 હજારની કિંમતની એક બાલી, રૂા. 1100ની કિંમતનો 18 ગ્રામ વજનનો ચાંદીનો કંદોરો ઉપરાંત રૂા. 25 હજારની રોકડ રકમ ચોરી કરી ગયા હતા.
તેમજ આ જ મકાનમાંથી તસ્કરોએ દોઢ માસ પહેલાં આ જ રીતે ઘરમાં પ્રવેશ કરી રૂા. 1.40 લાખની કિંમતનો 20 ગ્રામ વજનનો સોનાના પેન્ડલવાળો ચેઇન, રૂા. 3 લાખની કિંમતની કાનમાં પહેરવાની 3 તોલા અને 8 ગ્રામ વજનની બે નંગ સોનાની સર, રૂા. 5 હજારની કિંમતાની બે ગ્રામ વજનની બે નંગ સોનાની બુટી, રૂા. 20 હજાર રોકડાની ચોરી કરી ગયા હતા. આમ, એકજ મકાનમાંથી એકજ રીતે દોઢ માસના ગાળામાં બીજી વખત તસ્કરોએ ત્રાટકીને દાગીના તથા રોકડ ચોરી કરી ગયા હતા. આમ બે વખતમાં રૂપિયા 6,19,300ની માલમત્તા ચોરી કરી ગયાના બનાવ અંગેની ચિંતનભાઇ દ્વારા જાણ કરાતા પીઆઇ કે. એલ. ગળચર તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને ગુનાશોધક શ્વાન તથા એફએસએલની મદદ વડે જાણભેદુ તસ્કરનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી ચોરીની બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા મનિષાબેન નિલેશભાઇ ગોહિલ (ઉ.વ.43) નામના મહિલાના મકાનમાં અજાણ્યા તસ્કરોએ ગત્ તા. 24 મેથી 9 જુન સુધી બંધ રહેલા મકાનમાંથી તસ્કરોએ રૂમના દરવાજા પાછળ રાખેલા ખુલ્લા કબાટમાં કપડાંની નીચે મૂકેલા પર્સમાંથી રૂા. 5 હજારની કિંમતની બે ગ્રામ વજનની સોનાની બુટી બે નંગ અને રૂા. 60 હજાર રોકડા મળી કુલ રૂા. 65 હજારની માલમત્તા ચોરી કરી ગયા હતા. મહિલાની ફરિયાદના આધારે એએસઆઇ આર. એન. પરમાર તથા સ્ટાફે તસ્કરો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં બહાર આવ્યુ કે આરોપી સમાણા ગામનો વતની તૃષાંત હસમુખ ધામેચા દરજી કામ કરતો હોવાથી બંધ મકાન વિશેની તેમજ મકાનમાં કબાટની ચાવી વિશે જાણતો હોવાથી ધોળા દિવસે ચાવી મેળવીને ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરતો હતો. જામનગર એલસીબીની ટીમે આરોપીને પકડીને તેની પાસેથી સોનાના દાગીના 7 તોલા, ચાંદીના દાગીના 18 ગ્રામ, રોકડ 105,000 , મોટરસાઈકલ, એક મોબાઈલ ફોન કુલ મળીને રુ.739300નો મુદામાલ જપ્ત કર્યો છે.
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આરોપીને પકડી પાડનાર એસસીબીની ટીમની કામગીરીને બીરદાવીને રોકડ ઈમાન આપ્યુ, સાથે લોકોને અપીલ કરી પોતાના મકાન કે દુકાન અંગેની જાણકારી અન્ય કોઈ લોકોને ના રહે તેવી કાળજીરાખવીજોઈએ.