Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરશાંતિનાથ ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી કરાઇ

શાંતિનાથ ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી કરાઇ

- Advertisement -

જૈનોના 16માં શાંતિનાથ ભગવાનનો ગઇકાલે જન્મ કલ્યાણક નિમિત્તે જામનગર શહેરનાં લાલબંગલા વિસ્તારમાં આવેલ પોપટલાલ ધારશી (સમેત શિખર) દેરાસરમાં બિરાજમાન મુળ શાંતિનાથદાદાના કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. જન્મ કલ્યાણકની ઉજવણી છેલ્લા 24 વર્ષથી આ વિસ્તારમાં રહેતા જૈન ભાઇઓ દ્વારા શાંતિનાથ આરાધક મંડળ ઉભું કરી ઉજવણી કરવામાં આવે છે. જેમાં સવારે 6 વાગ્યે ભક્તામર સ્ત્રોત, આરતી-મંગલ દિવો કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ સવારે 8 વાગ્યે નવકારશી (નાસ્તો) દરવર્ષની જેમ આ વર્ષે પણ કોઠારી પરિવાર તરફથી કરાવવામાં આવી હતી. સવારે 10 વાગ્યે જન્મકલ્યાણક પૂજા ભણાવવામાં આવી હતી. સવારથી જૈનોએ ભગવાનને પૂજા કરી ધન્યતા અનુભવી હતી. બપોરે 12 વાગ્યે શાંતિનાથ આરાધક મંડળ દ્વારા કામદાર વાડીમાં સ્વામિવાત્સલ્ય જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 6 વાગ્યાથી ભગવાનને સોનાના વરખની આંગી કરવામાં આવી હતી. ભગવાનના પારણાની સજાવટ કરવામાં આવી હતી. રાત્રીના 8 વાગ્યાથી દેરાસરના પટાંગણમાં શહેરના વિક્રમભાઇ મહેતા પાર્ટી દ્વારા ભાવના ભણાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો-બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ વિસ્તારમાં જૈનોની નાની બાળકીઓ દ્વારા રાસ કરવામાં આવ્યો હતો. આવતા વર્ષે શાંતિનાથ આરાધક મંડળની સ્થાપનાને 25 વર્ષ થાય છે તે નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને આયંબિલ ભુવનની શરૂઆત થાય તેવા પ્રયત્ન દેવબાગ સંચાલિત આ પેઢીના ટ્રસ્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ચાંદીબજારમાં આવેલા મોટા શાંતિનાથ દેરાસરમાં મુળનાયક શાંતિનાથદાદાને સોનાના વરખની આંગી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular