જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા દેશી દારુના કેસમાં નિવૃત્ત પોલીસ ઇન્સ્પેકટરની સંડોવણી હોવાના પુરાવાઓ મળી આવતાં પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટાફે નિવૃત્ત પોલીસ અધિકારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ જામનગર જિલ્લાના પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં નોંધાયેલા દેશી દારુના દરોડામાં પોલીસે જે-તે સમયે રૂા. 56000ની કિંમતનો 280 લીટર દેશી દારુનો જથ્થો અને રૂા. 45000ની કિંમતનો 1800 લિટર દારુ બનાવવાનો આથો તથા દારુ બનાવવાની ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂા. 1,04,250ની કિંમતનો મુદ્ામાલ કબજે કરી આ દારુ કેસની તપાસ હાથ ધરતાં આ દેશી દારુની ભઠ્ઠીમાં હાલ જામનગરમાં રહેતા વડોદરાના નિવૃત્ત પોલીસ ઇન્સ્પેકટર ભેઘરાજસિંહ ભરુભા ઝાલા નામના અધિકારીની સંડોવણી હોવાના પુરાવાઓ મળી આવ્યા હતાં. જેથી આ તપાસમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.એમ. શેખ, પીએસઆઇ એ.કે. પટેલ, હેકો નિર્મળસિંહ જાડેજા, ચેતનભાઇ ઘાઘરેટીયા, પોકો હરદેવસિંહ ઝાલા અને જયદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે નિવૃત્ત પીઆઇ મેઘરાજસિંહ બી. ઝાલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી અદાલતમાં રજૂ કરવા તજવીજ આરંભી હતી.