જામનગરમાં વડાપ્રધાનના પ્રવાસ અને રાત્રિરોકાણને લઇ તંત્ર તડામાર તૈયારીમાં લાગ્યુ છે. વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાને લઇ પોલીસ પણ સજ્જ છે. રાજકોટ રેન્જ આઇજી દ્વારા વડાપ્રધાનના રાત્રિરોકાણને લઇ સર્કિટ હાઉસ ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ જામનગરના પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન તેઓ જામનગરમાં રાત્રિરોકાણ કરવાના છે. જેને લઇ જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ તૈયારીમાં લાગી ચૂકયું છે. વડાપ્રધાનના જામનગર પ્રવાસ દરમ્યાન ચુસ્ત બંદોબસ્ત જોવા મળશે. પોલીસ દ્વારા તે માટે તૈયારી અને ખાસ પ્લાન તૈયાર કરાઇ રહ્યાં છે. વડાપ્રધાનની જામનગર મુલાકાત દરમ્યાન કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાશે. વડાપ્રધાનના આવાગમનના રૂટ સહિતનું સુરક્ષા કાફલા દ્વારા નિરીક્ષણ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય પણ જામનગર આવી પહોંચ્યા હતા અને સર્કિટ હાઉસ સહિતના સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.
View this post on Instagram
રાજકોટ રેન્જ આઇજીના નિરીક્ષણ દરમ્યાન જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, જામનગરના પૂર્વ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા. તેમની સાથે રેન્જ આઇજી દ્વારા જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.


