જામનગર શહેરના નંદનવન સોસાયટીમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પડેલી કારમાંથી પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલો, ચપટા તથા કાર અને બાઇક સહિતનો રૂા. 2,29,300નો મુદામાલ કબ્જે કરી બે શખ્સોની શોધખોળ આરંભી હતી.

દરોડાની વિગત મુજબ જામનગર શહેરના નંદનવન સોસાયટી શેરી નંબર સાતમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પડેલી જીજે01-કેસી-3648 નંબરની સેન્ટ્રો કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝનના પીઆઇ એન. એ. ચાવડાની સૂચનાથી પીએસઆઇ ડી. જી. રામાનુજ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ કારની તલાશી લેતાં તેમાંથી જુદી જુદી બ્રાન્ડની રૂા. 65,500ની કિંમતની 131 બોટલ દારૂ અને 1800ની કિંમતના 18 નંગ ચપટા મળી આવ્યા હતા. તેમજ જીજે10-ઇડી-6875 નંબરના પ0 હજારની કિંમતના બાઇકની તલાશી લેતાં તેમાંથી રૂા. 12 હજારની કિંમતની 24 બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે કાર અને બાઇક તથા દારૂનો જથ્થો મળી કુલ રૂા. 2,29,300નો મુદામાલ કબ્જે કરી જયેશ ઉર્ફે જયુ કિશોર ચાંદ્રા સહિત બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો જામનગર શહેરના 57 દિગ્વિજય પ્લોટમાંથી પસાર થતા જીજે10-સીએચ-9629 નંબરના બાઇકચાલક સચિન કિશોર મંગે નામના શખ્સને આંતરીને તલાશી લેતા તેના કબ્જામાંથી રૂા. 4500ની કિંમતની ઇંગ્લીશ દારૂની નવ બોટલ મળી આવતાં સિટી ‘એ’ ડિવિઝન પોલીસે 15000ની કિંમતનું બાઇક અને દારૂનો જથ્થો મળી કુલ રૂા. 19,500ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર શહેરના દિગ્જિય પ્લોટ 54 વિસ્તારમાં જાહેર રોડ પરથી પસાર થતાં ચિરાગ રમેશ ગજરા નામના શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે આંતરીને તલાશી લેતાં ચિરાગ પાસેથી રૂા. 3 હજારની કિંમતની ઇંગ્લીશ દારૂની 6 બોટલ મળી આવતાં ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો જામનગર શહેરમાં પંજાબ નેશનલ બેન્ક, ચૌહાણ ફળી પાસેથી પસાર થતાં રોહિત ઉર્ફે ગટ્ટુ જેન્તીભાઇ ચાવડા નામના શખ્સને પોલીસે આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂા. 4800ની કિંમતની ઇંગ્લીશ દારૂના 48 નંગ ચપટા મળી આવતા પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.