લગ્ન પછી પતિ-પત્નિ છૂટાં પડે તેવા કિસ્સાઓમાં પતિએ છૂટાછેડા મેળવનાર પત્નિને ભરણપોષણ પેટે નાણાં આપવાના હોય છે. તે સૌ જાણે છે. પરંતુ લગ્ન થયા જ ન હોય તેવા કિસ્સામાં પણ આ પ્રકારના આદેશ બે જુદી-જુદી અદાલતો દ્વારા એક કિસ્સામાં આપવામાં આવ્યા હોય આ મુદ્દે સુપ્રિમ કોર્ટ પરેશાન છે.
20 વર્ષના એક યુવકને અદાલતે આ પ્રકારનો આદેશ આપ્યો છે. ખુબીની વાત એ છે કે, પુરૂષ માટે લગ્નની કાયદાકીય ઉંમર 21 વર્ષની છે. છતાં આ કિસ્સામાં આવો આદેશ અદાલતે આપ્યો છે. બાદમાં આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે.
શુક્રવારે આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોચતા મુખ્યન્યાયમૂર્તિ અચંબામાં પડી ગયા છે. ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચના અન્ય ન્યાયમૂર્તિઓને મૂખ્ય ન્યાયમૂર્તિઓને આ મુદ્દે વિચાર કરવા કહ્યું છે.
20 વર્ષનો યુવક 2006ની સાલમાં એક યુવતીને લઇને ભાગી ગયો હતો. ત્યારબાદ તેઓ બન્ને જમશેદપુર ગયા હતાં. જયાં એક સપ્તાહ માટે રોકાયા હતા. પછી બન્ને પરત પોતાના ગામ આવી ગયા હતાં.પંચાયતે તેઓના લગ્ન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ કોઇ કારણસર લગ્ન થઇ શકયા ન હતા. ત્યારબાદ આ છોકરીએ આ યુવક વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ અને ભરણપોષણ માટેનો દાવો એમ બે અલગ કેસ કર્યા હતા. છોકરીના વકિલે એવી રજુઆત કરી હતી કે, આ બંન્ને વચ્ચેના લીવઇન રિલેશનને લગ્ન ગણવામાં આવે.
ત્યારબાદ નિચલી અદાલતે ત્રાસના મામલે આ યુવકને એક વર્ષની સજાનો આદેશ આપ્યો હતો. અને દરમહિને યુવતીને રૂા.5000નું ભરણપોષણ આપવામાં આવે એવો પણ આદેશ યુવકને આપવામાં આવ્યો છે. બાદમાં આ યુવક આ મામલો હાઇકોર્ટમાં લઇ ગયો.
હાઇકોર્ટે યુવક વિરૂધ્ધની ત્રાસની ફરિયાદને ખતમ કરી દીધી. પરંતુ ભરણપોષણના નાણાં ચુકવવાના નિચલી અદાલતને આદેશને કાયમ રાખ્યો હતો. ત્યારબાદ આ મામલો ગઇકાલે શુક્રવારે સુપ્રિમકોર્ટમાં પહોંચ્યો છે.