15 દિવસથી એકધારા તુટી રહેલા ભારતીય શેરબજારમાં છેલ્લાં ત્રણ દિવસમાં આવેલા ઉછાળાએ રોકાણકારોને રાહત આપી છે. સતત તુટી રહેલા બજારમાં ઉછાળો આવતા બજારના સેન્ટીમેન્ટમાં પણ થોડો સુધારો જોવા મળ્યો છે. જો કે તજજ્ઞો આ ઉછાળાને ટેકનિકલ અથવા તો ઘટાડાના રીટ્રેસમેન્ટ તરીકે જોઇ રહ્યા છે. ત્યારે આગામી સપ્તાહે બજારની ચાલ કેવી રહેશે ? તેના પર સૌની નજર મંડાયેલી રહેશે. વિદેશી રોકાણકારોના કેશ સેગમેન્ટમાં વેંચવાલી થંભી નથી. હજુ પણ તેઓ સતત વેચવાલી કરી રહ્યા છે. બીજી તરફ ભારતીય સંસ્થાઓ ખરીદી સાથે બજારને બચાવવાનો અથવા તો ટેકો આપવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આ પ્રયાસો સફળ થયા નથી.

હેલિઓસ કેપિટલના સ્થાપક અને બજાર નિષ્ણાંત સમિર અરોરા જણાવી રહ્યા છે હજુ આગામી એકાદ બે મહિનામાં બજાર તળિયે જશે. અને ત્યારબાદ સાત થી આઠ ટકા સુધીની રીકવરી આવી શકે છે. જો કે, આ રીકવરી વી સેેપની નહીં હોય. કારણ કે, આવી રીકવરી માટે સામાન્ય રીતે સરકારી હસ્તક્ષેપની જરૂર પડે છે. સ્મોલ અને મિડકેપ સેગમેન્ટમાં થયેલા સુધારા પર ટિપ્પણી કરતા, તેમણે કહ્યું કે રોકાણકારોએ ઘટાડાની હદ કરતાં મંદીના સમયગાળા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. “માત્ર 10 ટકા શેરોમાં મંદીનું બજાર અસ્તિત્વ ધરાવે છે, એટલે કે 90 ટકા બજાર સારું છે,”
શું છે ટેકનિકલ વ્યૂ?
શુક્રવારે સમાપ્ત થયેલા સપ્તાહમાં નિફટીએ 22000 નો સપોર્ટ લઇને ત્યાંથી લગભગ 600 પોઇન્ટથી ઉછાળો આપ્યો છે. ત્યારે જ્યાં સુધી નિફટી 22500ના સ્તર ઉપર રહેશે ત્યાં સુધી બજારનો ઉપરનો ટ્રેન્ડ યથાવત રહેશે. ઓપ્શન ડેટાની વાત કરીએ તો નિફટીના 22800 ના સ્તર પર પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે જ્યારે 22300 નું સ્તર નિફટી માટે સપોર્ટ બની રહેશે.
7 માર્ચ એટલે કે શુક્રવારે બજારમાં રેંજબાઉન્ડ ટ્રેડીંગ થયું હતું પરંતુ, સારી વાત એ હતી કે ઇન્ડેકસે હજુ પણ 5 અને 10 દિવસ EMA (મુવીંગ એવરેજ) ને બચાવી રાખ્યો હતો. જ્યારે વોલ્યુમમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 22800 ના સ્તરે નિફટી માટે મજબુત સપોર્ટનું કામ કર્યુ હતું. જે તૂટયા બાદ નિફટીમાં મોટો કડાકો બોલી ગયો હતો. હવે આ સ્તર નિફટી માટે રેઝીસ્ટન્સનું કામ કરશે. બજાર નિષ્ણાંતો દ્વારા સપોર્ટ અને રેઝીસ્ટન્સના સ્તર પાસે રોકાણકારો અને ટ્રેડરોને ખાસ સાવચેતી રાખવા અને બજારની ચાલની જોઇને ટ્રેડ કે રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે.
(ડિસ્ક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.)