જામનગર તાલુકાના ઠેબા ગામ નજીક આઇઓસી પમ્પ પાસેથી પુરપાટ આવી રહેલા ડમ્પરે એક પછી એક બે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા ત્રીપલ અકસ્માતમાં બાઇકચાલક પ્રૌઢનું શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બાઈકચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ઠેબા ગામ નજીક આઇઓસી પમ્પ પાસે શીતળા માતાજીના મંદિરની સામે મંગળવારે બપોરના સમયે પુરપાટ બેફીકરાઇથી આવી રહેલા જીજે-13-એડબલ્યુ-4847 નંબરના ડમ્પરચાલકે જીજે-10-ડીડી-3800 નંબરના બાઇક પર આવી રહેલા પ્રૌઢને ઠોકર મારી હડફેટે લીધા હતાં અને ત્યારબાદ અન્ય બાઈક જીજે-10-ડીપી-8774 નંબરના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા ત્રીપલ અકસ્માત થયો હતો. ડમ્પરે એક સાથે બે-બે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માતમાં સુકાભાઈ ગામી (ઉ.વ.55) નામના પ્રૌઢને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય જીજે-10-ડીપી-8774 નંબરના બાઈકના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણના આધારે હેકો ડી.એચ. લાંબરીયા તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસે સ્થળ પર પહોંચી જઇ પ્રૌઢના મૃતદેહનો કબ્જો સંભાળી અન્ય બાઈકચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતક પ્રૌઢના પુત્ર દેવાભાઈ ગામીના નિવેદનના આધારે ડમ્પરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.