Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરસાત રસ્તાથી પંચેશ્વર ટાવર સુધીના વિસ્તારમાં એક બતકના કારણે રાત્રીના વીજ પુરવઠો...

સાત રસ્તાથી પંચેશ્વર ટાવર સુધીના વિસ્તારમાં એક બતકના કારણે રાત્રીના વીજ પુરવઠો ખોરવાયો

એક બતક હાઈટેન્શન વીજ લાઈનમાં ચોંટી જતાં સમગ્ર ફીડર ટ્રીપ થયો: 15 મિનિટમાં જ ફોલ્ટ શોધી લેવાયો

- Advertisement -

જામનગર શહેરની પ્રજાએ ગઈકાલે રાત્રે ફરીથી વીજ વિક્ષેપ નો સામનો કરવો પડ્યો હતો, અને તેના માટેનું કારણ એક બતક (પેલીકન) હોવાનું સામે આવ્યું છે. સાત રસ્તા નજીક એક બતક હાઈ ટેન્શન લાઈનમાં ચોંટી જતાં સાત રસ્તાથી છેક પંચેશ્ર્વર ટાવર- હવાઈચોક સુધીના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, અને મેઇન લાઈન ટ્રીપ થઈ હતી. વીજ તંત્રની ટુકડીએ 15 મિનિટમાં જ ફોલ્ટ શોધી કાઢ્યો હતો અને વીજ લાઇનને પૂર્વવત બનાવી દીધી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોઈને કોઈ કારણે વીજ વિક્ષેપ થઈ રહ્યા છે. જેમાં ક્યારેક કોઈ ઝાડની ડાળીઓ તો ક્યારેક કોઈ વાહનો ટકરાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ છેલ્લા એક સપ્તાહ દરમિયાન ખિસકોલી અને બતક જેવા પશુ-પક્ષીઓ પણ વીજ વિક્ષેપનું કારણ બની રહ્યા છે.

ઇન્દિરા માર્ગ પર તાજેતરમાં ખિસકોલીના કારણે વીજ લાઈન ટ્રીપ થઈ હતી. દરમિયાન ગઈકાલે રાત્રે એક બતકના કારણે લોકોએ વીજકાપનો સામનો કરવો પડ્યો હતો. રાત્રિના 12 વાગ્યાના અરસામાં સાતરસ્તા નજીક એક બતક ઉડતું-ઉડતું આવીને હાઈ ટેન્શન વિજલાઇન સાથે ટકરાયું હતું અને બે તાર ભેગા થઈ જતાં સાત રસ્તાથી લઈને છેક પંચેશ્ર્વર ટાવર, હવાઈચોક સુધીનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સાતરસ્તાની મેઇન લાઇન ટ્રીપ થઈ હતી. જેની જાણકારી મળતાં સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનની વિજ ચેકીંગ ટુકડી દોડતી થઈ હતી અને વીજલાઈનના ચેકિંગ દરમિયાન 15 મિનિટના સમયગાળામાં જ વીજ ફોલ્ટ શોધી કાઢ્યો હતો અને બતક વીજલાઈનમાં ચોટેલું જોવા મળ્યું હતું જેને નીચે ઉતારી લેતાં આખરે વિજ પુરવઠો પૂર્વવત બન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular