ખંભાળિયા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક આસામીઓએ કરેલા દબાણ તેમજ વિવિધ વિકાસ કાર્યો માટે નડતરરૂપ એવા અતિક્રમણને દૂર કરવા સંદર્ભે નગરપાલિકા દ્વારા અપાયેલી નોટિસ બાદ ગઈકાલે 18 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે આગામી વધુ દબાણ હટાવવા માટે પણ તંત્રએ કમર કસી છે.

આ અંગે પાલિકા સૂત્ર દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તાર પાસેથી ખામનાથ તરફ જતા રસ્તે કેટલાક આસામીઓ દ્વારા વિવિધ પ્રકારે દબાણો કરવામાં આવતા અહીંનો રસ્તો સાંકડો થઈ ગયો છે. આવા દબાણકર્તાઓ તેમના કચરા, ગંદા પાણી વિગેરેનો નિકાલ રસ્તા પર કરવામાં આવતો હોય, વિવિધ પ્રકારે નડતરરૂપ આશરે 25 જેટલા આસામીઓને થોડા દિવસો પૂર્વે નગરપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી. જેનો નિયત સમયગાળો પૂર્ણ થઇ જતા ગઈકાલે ગુરુવારે નગરપાલિકા સ્ટાફ દ્વારા જેસીબી જેવા મશીનો સાથે દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અહીંના મિલન ચાર રસ્તાથી ખામનાથ તરફ જતા રસ્તે એક બાજુના 15 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં કેટલાક મકાનો અને દીવાલો તોડી પાડવામાં આવ્યા છે. આગામી સમયમાં હવે બીજી તરફના દબાણો પણ હટાવવામાં આવી રહ્યા છે.
અહીંના તેલી નદી પાસે વિજય સિનેમા રોડ તરફથી પોરબંદર રોડ તરફ જતા ભારે સુવિધાઓ અને શોર્ટકટ માર્ગ અડધો બની ચૂક્યો છે. જ્યારે બાકીના રસ્તા પર અનેક દબાણો હોવાથી આવા અસામીઓને પણ નગરપાલિકા તંત્રએ નોટિસો ફટકારી હતી. જે પછી આવા દબાણો તોડી પાડવાની શરૂ કરવામાં આવેલી કામગીરીમાં સુખનાથ મહાદેવ મંદિર પાસેના ત્રણ દબાણો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ, વિવિધ વિકાસ કાર્યો માટે નડતરરૂપ એવા દબાણો દૂર કરવા માટે હજુ પણ આગામી દિવસોમાં આ ઓપરેશનની કામગીરી ચાલુ રહેશે તેમ નગરપાલિકાના ઈજનેર એન.આર. નંદાણીયાએ જણાવ્યું હતું.
સાથોસાથ જેમ જેમ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, તેમ તેમ રસ્તો બનાવવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે.