મીઠાપુરના આરંભડા વિસ્તારમાં રહેતા એક મહિલા તેમની પુત્રીની સારવારઅર્થે હોસ્પિટલે ગયા હતા. ત્યારે પાછળથી આ બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડી, કુલ રૂપિયા 1.05 લાખના સોના તથા ચાંદીના દાગીનાની ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં ગાયત્રીનગર ખાતે રહેતા નૂરજહાંબેન અબ્દુલભાઈ ખમીસાભાઈ નાયાણી (ઉ.વ.32) નામના મુસ્લિમ સંધી મહિલા મંગળવારે બપોરના સમયે તેણીની પુત્રીની સારવારઅર્થે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ગયા હતા. ત્યાંથી તેઓએ સાંજે પરત આવીને જોયું તો તેમના ઘરના તાળા તૂટેલા હતા.
આ સ્થળોએ સ્થળે કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો. અહીં રહેલા લાકડાના કબાટનું તાળું તોડી, તેમાં રહેલી રૂ. 87,035ની કિંમતની 9.450 ગ્રામ વજનની સોનાની પાંદડી વાળી બુટીની જોડી તથા રૂ. 17,650ની કિંમતના 140 ગ્રામ જેટલા વજનના ચાંદીના સદરાની જોડીની ચોરી થયાનું ખુલવા પામ્યું હતું.
આમ, બંધ રહેલા મકાનના તાળા તોડી તસ્કરો કુલ રૂપિયા 1,04,685ના મુદામાલની ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે નૂરજહાંબેન અબ્દુલભાઈ નાયાણીની ફરિયાદ પરથી વિધિવત રીતે ગુનો નોંધી પી.એસ.આઈ. એમ.આર. બારડ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


