Wednesday, November 12, 2025
Homeરાજ્યહાલારમીઠાપુરના વેપારી પરિવાર સાથે જમીનનો દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપિંડી

મીઠાપુરના વેપારી પરિવાર સાથે જમીનનો દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપિંડી

રૂ. 11 કરોડથી વધુની રકમ નહીં ચૂકવતા આસામી સામે ફરિયાદ : આંગડિયા મારફતે પૈસા આપવાનું કહી, વિશ્ર્વાસઘાત

મીઠાપુરના આરંભડા વિસ્તારમાં રહેતા એક વેપારી યુવાનના માતાની માલિકીની આશરે રૂપિયા સાડા અગિયાર કરોડ જેટલી કિંમતની જમીનને જંત્રી મુજબના પૈસા આપી અને અન્ય રૂપિયા 11 કરોડ જેટલી રકમ આંગડિયા મારફતે મોકલી આપવાનું કહી આ રકમ ન ચૂકવીને વિશ્ર્વાસઘાત કરવા સબબ કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ અમૃતલાલ માવાણી નામના 50 વર્ષના લોહાણા યુવાનના માતા કુમુદબેન અમૃતલાલ માવાણીના નામે દ્વારકા તાલુકાના મકનપુર ગામના રેવન્યુ સર્વે નંબર 221 પૈકી 1 વિગેરે મુજબની પાંચ એકર ખેતીની જમીન હોય, આ જમીન કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે રહેતા ભીમશી દેવાણંદ બેલા નામના શખ્સ દ્વારા આ જમીન વેંચાતી લેવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જેથી ચેતનભાઈ અને ભીમશી બેલા વચ્ચે ઉપરોક્ત જમીન પ્રતિ એકરના રૂપિયા સવા બે કરોડ લેખે કુલ રૂપિયા 11 કરોડ 25 લાખમાં વેચાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જમીનનો સોદો થયેથી જમીનનું કોઈ ટોકન કે વેચાણ કરાર કે સોદાખત કરવાની જરૂર નથી અને પોતાને સીધો જ રજીસ્ટ્રેશનથી વેચાણ દસ્તાવેજ કરી આપવાનો ભીમશી દેવાણંદ બેલા દ્વારા જણાવાયું હતું.

- Advertisement -

આ બાબતની વિશ્વાસ અને ખાતરી આપવા તેણે જંત્રી મુજબના રૂપિયા ભરી બાકીના રૂપિયા આંગડિયા મારફતે ચૂકવી આપવાનું કહી, વિશ્વાસમાં લઈ અને ગત તારીખ 21 જુલાઈ 2025 ના રોજ તેણે બેન્ક ખાતામાંથી કુમુદબેન માવાણીના બેંક એકાઉન્ટમાં રૂપિયા 9.30 લાખનું ટ્રાન્ઝેક્શન કરી અને આ જ દિવસે સ્ટેમ્પ પેપર વાળો દસ્તાવેજ વકીલ પાસે તૈયાર કરાવી અને આરંભડા ખાતે તેમના ઘરે આવીને કુમુદબેનની દસ્તાવેજમાં સહી કરાવી લીધી હતી. આ આરોપીએ દ્વારકા દસ્તાવેજ કરવા આવો એમ કહેતા ચેતનભાઈ તથા તેમની સાથે રહેલા દલાલ પાછળ જતા આરોપી ભીમશી બેલા વકીલની ઓફિસે કે મામલતદાર કચેરીએ ક્યાંય જોવા મળ્યા ન હતા.

આ રીતે આરોપી શખ્સ દ્વારા ચેતનભાઈને વિશ્ર્વાસમાં લઈ અને તેમના માતાની વેચાણ દસ્તાવેજમાં સહી લઈ લઈને અવેજીના પૈસા નહીં ચૂકવી, વિશ્વાસઘાત કર્યાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે ચેતનભાઈ અમૃતલાલ માવાણીની ફરિયાદ પરથી પાનેલી ગામના ભીમશી દેવાણંદ બેલા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (4) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.એન. વાંઝા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular