Thursday, June 25, 2026
Homeરાજ્યગુજરાતખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાં મંત્રી રિવાબા જાડેજાએ બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ - VIDEO

ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાં મંત્રી રિવાબા જાડેજાએ બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ – VIDEO

“દીકરી ભણશે તો બે કુળ તારશે, શિક્ષણ જ આદિજાતિ વિસ્તારના વિકાસનું સૌથી સશક્ત માધ્યમ”

ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી શિક્ષણના પ્રસાર અને ગુણવત્તા સુધારણાના ઉમદા હેતુ સાથે આયોજિત ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ઉંબોરા અને ખેરોજ ખાતે પ્રેરણાદાયી કાર્યક્રમ સંપન્ન થયો હતો. રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાની ગરિમામય ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અંતરિયાળ આદિજાતિ વિસ્તારના બાળકોને ઉત્સાહભેર શિક્ષણના પંથે વાળવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. મંત્રીએ ઉંબોરા પ્રાથમિક શાળા અને ખેરોજ સ્થિત સમદર્શન સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી શાળામાં નવા પ્રવેશ મેળવતા ભૂલકાઓને તિલક કરી અને મોં મીઠું કરાવી વહાલપૂર્વક શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

- Advertisement -

આ પ્રસંગે મંત્રી રિવાબા જાડેજાના હસ્તે ‘મિશન સેવાલય’નું ગૌરવપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મિશન હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને અન્ય જરૂરી શૈક્ષણિક સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી કોઈ પણ બાળક આર્થિક અભાવને કારણે શિક્ષણથી વંચિત ન રહે. પ્રવેશોત્સવ દરમિયાન મંત્રીએ બાળકોને શૈક્ષણિક કીટ અને રમકડાંનું વિતરણ કર્યું હતું, જેનો લાભ મેળવીને ભૂલકાઓ અને તેમના વાલીઓમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી. આ સાથે જ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને શાળાના વિકાસમાં યોગદાન આપનાર દાતાઓના બહુમાન દ્વારા શિક્ષણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

કાર્યક્રમને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી આ પરંપરા આજે જનઆંદોલન બની છે. તેમણે કન્યા કેળવણી પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે, જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે બે કુળને તારે છે, તેથી દરેક માતા-પિતાએ પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા કટિબદ્ધ થવું જોઈએ. આ જ અવસરે જિલ્લા અગ્રણી કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ગખંડમાં બેઠેલા આ વિદ્યાર્થીઓ જ વર્ષ 2047ના વિકસિત ભારતનો પાયો છે. તેમણે શિક્ષણની સાથે સંસ્કાર અને જીવન મૂલ્યોના સિંચન પર વિશેષ ભાર મૂક્યો હતો.

- Advertisement -

આ કાર્યક્રમ માત્ર ઔપચારિકતા પૂરતો મર્યાદિત ન રહેતા મંત્રીએ સંવેદનશીલ અભિગમ દાખવ્યો હતો. તેમણે શાળા છોડી ગયેલા બે વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમને પુનઃ શિક્ષણ સાથે જોડવા માટે વાલીઓ પાસેથી વચન મેળવી તેમનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ઉપરાંત, એસ.એમ.સી.ની બેઠકમાં ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા શાળાના મેદાન અને પીવાના પાણીના પ્રશ્નો અંગે મંત્રીએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અને હકારાત્મક નિરાકરણ લાવવા કડક સૂચનાઓ આપી હતી.

શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુર ઉપાધ્યાય, આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ સહિત જિલ્લા શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો, સી.આર.સી. અને બી.આર.સી. કો-ઓર્ડિનેટરો તેમજ સામાજિક અગ્રણીઓએ હાજરી આપી શિક્ષણના આ મહાયજ્ઞમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular