જામનગર શહેરમાં રહેતી આશ્રયહિન યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી, જુદી જુદી જગ્યાએ ગોંધી રાખી, અઢી વર્ષ સુધી નરાધમે દુષ્કર્મ આચર્યું હતું તેમજ યુવતીના પિતાના અવસાન બાદ વિમાની રકમમાંથી લીધેલું સોનુ પડાવી લીધાના હિચકારી બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અરેરાટીજનક બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં શાહરૂબ અબ્દુલ હમીરાણી નામના શખ્સને તેની મહિલા મિત્ર રેશ્માએ વર્ષ 2023માં મોરબીમાં રહેતી આશ્રયહિન 26 વર્ષીય યુવતીનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ શાહરૂખે વધુ પરિચય કેળવી લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ નિરાધાર યુવતીને જામનગર બોલાવી હતી અને ઓક્ટોબર 2023 થી એપ્રિલ 2026 સુધીના સમય દરમ્યાન જુદા જુદા વિસ્તારો રાજપાર્ક, મોહનનગર અને સંવેદના એપાર્ટમેન્ટ જેવા ભાડાના મકાનમાં રાખી હતી. આ સમય દરમિયાન આશ્રયહિન યુવતી ઉપર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ યુવતી વિરોધ કરતી ત્યારે ઢીકાપાટુનો માર મારી શારીરિક, માનસિક ત્રાસ આપતો હતો. નિરાધાર યુવતીના માતા-પિતાનું ત્રણ વર્ષ પહેલાં વાહન અકસ્માતમાં મોત નિપજયું હતું. ત્યારબાદ પિતાના અવસાન પછી વિમાની રકમમાંથી યુવતીએ તેણીના ભવિષ્ય માટે બે સોનાના બિસ્કીટ અને વિંટી ખરીદ કર્યા હતાં. આ દાગીના શાહરૂખે બળજબરીપૂર્વક પડાવી લીધાં હતાં.
નરાધમ દ્વારા આચરાયેલા દુષ્કર્મ અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળેલી યુવતીને તેણીના પિતાના મિત્રની મદદ મળતાં હિંમત દાખવી યુવતી તેણીના ગામ મોરબી જતી રહી હતી અને ત્યારબાદ તેણીએ નરાધમ શાહરૂખ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ વી. એમ. ડોડિયા તથા સ્ટાફે ગુનો નોંધી નરાધમની ઝડપી લેવા આગળની તપાસ આરંભી હતી.


