જગત પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે તા. 31 મે, 2026ના રોજ આવતી પૂનમને લઈને વિશેષ ધાર્મિક માહોલ સર્જાયો છે. ખાસ કરીને હાલ ચાલી રહેલા પવિત્ર પુરુષોત્તમ માસના કારણે દ્વારકાધીશના દર્શન માટે રાજ્યભરમાંથી તેમજ દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા પહોંચી રહ્યા છે. સામાન્ય રીતે દર પૂનમે દ્વારકાધીશ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે, પરંતુ પુરુષોત્તમ માસ દરમિયાન આવતી પૂનમનું ધાર્મિક મહત્વ વિશેષ હોવાથી આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા સામાન્ય દિવસોની સરખામણીએ ઘણી વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત હાલ ઉનાળાની રજાઓનો સમય ચાલી રહ્યો છે અને આવતીકાલે રવિવાર પણ હોવાથી હજારો પરિવારો દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા પહોંચે તેવી શક્યતા છે. મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભક્તોની સુવિધા અને દર્શન વ્યવસ્થામાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે દ્વારકાધીશ મંદિર તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
View this post on Instagram
જગત મંદિર દ્વારકાધીશ નિવાસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે, સામાન્ય સંજોગોમાં પૂનમનો ધાર્મિક ક્રમ સવારે 6 વાગ્યાથી શરૂ થતો હોય છે. જોકે પુરુષોત્તમ માસ દરમિયાન સતત વધી રહેલી ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને વધુ સમય સુધી મંગળા દર્શનનો લાભ મળી રહે અને ભીડનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે પૂજારીશ્રીની સંમતિથી મંગળા આરતીનો સમય એક કલાક વહેલો કરવામાં આવ્યો છે.
આ નિર્ણય અનુસાર આવતીકાલે સવારે 5 વાગ્યે મંગળા આરતી યોજાશે અને ત્યારબાદ મંગળા દર્શનનો લાભ ભક્તો સવારે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી લઈ શકશે. સવારે 8 વાગ્યા બાદ મંદિરનો નિત્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે. મંદિર તંત્ર દ્વારા ભક્તોને સમયસર દર્શન માટે વહેલી સવારે જ મંદિરે પહોંચવાની અપીલ પણ કરવામાં આવી છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર પુરુષોત્તમ માસની પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન, પૂજન, દાન અને ભક્તિનું વિશેષ પુણ્ય પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે. જેના કારણે દર વર્ષે આ અવસરે દ્વારકાધીશ મંદિરમાં ભક્તોની વિશાળ ભીડ ઉમટતી હોય છે. આ વર્ષે રવિવાર અને વેકેશનનો સંયોગ થતાં ભાવિકોની સંખ્યા વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
મંદિર તંત્ર દ્વારા તમામ વૈષ્ણવ ભક્તો અને યાત્રાળુઓને બદલાયેલા સમયની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ દર્શન દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મંદિર પ્રશાસન અને સેવકગણ દ્વારા જરૂરી તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સાથે તમામ ભક્તોને મંગલમય પૂનમની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


