Saturday, June 14, 2025
Homeરાજ્યહાલારખેડૂતને મજૂર મોકલવાના બહાને છેતરપિંડી આચરનાર શખ્સ ઝડપાયો

ખેડૂતને મજૂર મોકલવાના બહાને છેતરપિંડી આચરનાર શખ્સ ઝડપાયો

ખેડૂત સાથે 26,800 ની છેતરપિંડી: અનેક લોકોનું બુચ માર્યાની સાયબર ક્રાઇમ સમક્ષ આપી કેફીયત

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સણોસરી વિસ્તારમાં રહેતા એક ખેડૂતને ગત ડિસેમ્બર માસમાં એક આસામીએ ફોન કરીને તેમને ખેતીકામ માટે મજૂર મોકલવાનું કહીને રૂપિયા 26,870 ની રકમ ઓનલાઈન પડાવી લઈ અને છેતરપિંડી આચર્યાનો બનાવ અહીંના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રકરણના અનુસંધાને સાયબર ક્રાઈમ વિભાગના પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ગુનાના મૂળ સુધી પહોંચીને સમગ્ર નેટવર્કનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે દાહોદના લીમખેડા વિસ્તારમાંથી પંચમહાલ જિલ્લાના ચાંદપુર વિસ્તારમાં રહેતા અને વણાટકામ કરતા પુષ્પેન્દ્રકુમાર પ્રકાશભાઈ પટેલ નામના 27 વર્ષના શખ્સને દબોચી લઈ, ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

આ પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન જાહેર થયેલી વિગત મુજબ આઠ ધોરણ સુધી ભણેલો પુષ્પેન્દ્રકુમાર પટેલ છેલ્લા એક વર્ષથી જુદા જુદા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોના મોબાઈલ નંબર મેળવી અને ખેતીકામ તેમજ કડિયા કામ માટે મજૂરો મોકલવાનું કહીને જે-તે આસામીઓને વિશ્વાસ અપાવવા માટે મજૂર તથા બસ કંડક્ટરની ખોટી ઓળખ આપી, મજૂરોના બસની ટિકિટનો ચાર્જ, જમવાનો ખર્ચ વિગેરે નામે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લેતો હતો. ત્યાર બાદ આ સ્થળે મજૂરો નહીં મોકલી અને આયોજનબદ્ધ રીતે છેતરપિંડી આચરતો હતો.

- Advertisement -

આ રીતે ઉપરોક્ત શખ્સએ અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યાની કબુલાત પણ પોલીસ સમક્ષ આપી હતી. ઝડપાયેલા આ શખ્સ પાસેથી પોલીસે અલગ અલગ બેંકના નવ એટીએમ કાર્ડ, બે સીમકાર્ડ તેમજ એક મોબાઈલ ફોન કબજે કરી, આગળની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહીમાં પી.એસ.આઈ. ગોહિલ અને કાંબલીયા સાથે ધરણાંતભાઈ બંધીયા, ભરતભાઈ ચાવડા, સહિતનો સ્ટાફ જોડાયો હતો. ત્યારે કોઈપણ વ્યક્તિને અજાણ્યા નંબર પરથી મજૂરો મોકલવા માટેનો ફોન આવે તો આવા વ્યક્તિઓ પર ભરોસો કરવો નહીં અને એડવાન્સમાં કોઈપણ જાતનો નાણાકીય વ્યવહાર ન કરવા તથા સાવચેતી કેળવવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આમ જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular