જોડિયા ગામની મુખ્ય બજારમાંથી એલસીબીની ટીમે વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા ત્રણ શખ્સોને રૂા.76200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ગુરૂદ્વારા ચોકડી પાસે ક્રિકેટનો જૂગાર રમાડતા શખ્સને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે દબોચી લીધો હતો.

જુગાર દરોડાની વિગત મુજબ, જોડિયા ગામમાં ધ્રોલના નાકે મુખ્યબજારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડી લખી જૂગાર રમાડતાહોવાની બાતમીના આધારે એલસીબી પીઆઈ વી એમ લગારીયાની સૂચનાથી સ્ટાફે રેઈડ દરમિયાન વસીમ હૈદરઅલી માણેક, અશોક કાના પારીયા, હનિફ દાઉદ સના નામના ત્રણ શખ્સોને રૂા.10,500 ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન અને રૂા.5700 ની રોકડ રકમ અને 60 હજારની કિંમતનું એકટીવા મળી કુલ રૂા.76,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે જાહેરમાં ભારતમાં રમાતી આઈપીએલ-20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મુંબઇ ઈન્ડિયન્સ અને સનરાઈઝ વચ્ચે રમાતા ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા ધર્મેશ મહેન્દ્ર ભીંડોરા નામના શખ્સને રૂા.1420 ની રોકડ રકમ અને રૂા.3000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.4420 ના મુદ્દામાલ સાથે સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ જૂગારમાં જીગ્નેશ કારીયા નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.