દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “તૌકતે” વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રએ સુચારૂ આયોજન કર્યું હતું. ‘ઝીરો કેઝયુઆલીટી’ ના ઉદેશ્ય સાથે અહીંના કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બની રહ્યું હતું. જિલ્લામાં વિવિધ સ્થળોએ એનડીઆરએફની ટીમો તૈનાત કરી, પોલીસ વિભાગના સહયોગથી દરિયાકાંઠાના લોકોને સ્થળાંતર કરાવ્યું હતું. જિલ્લામાં વીજપુરવઠો ખોરવાય નહીં એ માટે પીજીવીસીએલ દ્વારા પણ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દ્વારકાના સરકીટ હાઉસમાં પ્રભારી સચિવ લોચન સેહરા, આઇજીપી મમતા શિવહરે તથા અધિકારીઓ સાથે “તૌકતે” વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને રાખી સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લો વાવાઝોડાના ખતરાથી સંપુર્ણ બહાર છે. છતાં વહીવટી તંત્ર સંપૂર્ણ સચેત છે. જે લોકો શેલ્ટર હોમમાં છે એમને ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે અને વાવાઝોડાનો ખતરો ટળી જાય પછી તેમને સલામત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવશે. આ મીટિંગમાં જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી, પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખંભાળિયા: “તૌકતે” વાવાઝોડા સંદર્ભે રાજ્ય મંત્રી દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ
પ્રભારી સચિવ અને આઇજીપીએ દ્વારકાની મુલાકાત લીધી