રાજ્ય સરકાર દ્વારા શનિવારે 68 જેટલા આઇએએસના બઢતી અને બદલીના ઓર્ડરો જાહેર કર્યા હતાં. જેમાં જામનગરના કલેકટર તરીકે કે.બી.ઠક્કર મુકાયા છે જ્યારે દેવભૂમિ દ્વારકાના કલેકટર તરીકે આર.એમ.તન્નાને મૂકવામાં આવ્યા છે.

ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોષી વયનિવૃત રાજકુમાર પાસેથી શુક્રવારે ચાર્જ સંભાળ્યાના બીજા દિવસે શનિવારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર થયા છે. સામાન્ય વહીવટ વિભાગ જીએડી દ્વારા શનિવારે સાંજે ત્રણ અલગ-અલગ નોટીફિકેશન બહાર પાડી 68 જેટલા આઇએએસના બઢતી અને બદલીના આદેશો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતાં. જેમાં જામનગર દ્વારકા સહિત 9 જિલ્લાના કલેકટરો સહિતના અધિકારીઓની બદલીઓ સામેલ છે. જામનગરના કલેકટર બી.કે.પંડ્યાને પ્રમોશન સાથે રેવન્યુ વિભાગના લેન્ડ રિફોર્મ્સ એન્ડ ઓફિસ સેક્રેટરીના કમિશનર તરીકે નિમણૂક કરાઇ છે. જ્યારે તેમની જગ્યાએ હાલ પોરબંદરના ડીડીઓ તરીકે રહેલા કેતન ઠક્કર (કે.બી.ઠક્કર)ની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેતન ઠક્કર અગાઉ પણ જામનગરના આરડીસી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે ફરી એક વખત તેમની જામનગરમાં નિમણૂક થઇ છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર જી.ટી.પંડ્યાની શિક્ષણ વિભાગના એડીશનલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે તેમની જગ્યાએ હાલમાં સુરેન્દ્રનગરના ડીડીઓ તરીકે ફરજ બજાવી રહેલા આર.એમ.તન્નાની દ્વારકા જિલ્લા કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.