જામનગરમાં 1404 આવાસ યોજના પૈકીના 612 આવાસો જર્જરીત હોય જામનગર મહાનગરપાલિકા દ્વારા આખરી નોટીસ જાહેર કરાઇ છે અને આગામી ચોમાસાની ઋતુને ઘ્યાનમાં લઇ આકસ્મીક ઘટના ન સર્જાય તે માટે જામ્યુકો તમામ 612 આવાસોનું એક તરફી કબ્જો સંભાળી લેશે આથી આવાસ ધારકોને પોતાનો સામાન સાથે સલામત સ્થળે ખસી જવા જણાવાયું છે.
જામનગર ખંભાળિયા હાઇવે પર અંધાશ્રમની સામે આવેલ ટી.પી. સ્કીમ નં.2ના એફ.પી. નં.55 તથા 95 વાળી જમીન પર એસ.ઇ.ડબલ્યુ.એસ. યોજના હેઠળ 1404 આવાસ યોજનાના રહેવાસીઓને જામ્યુકોએ સુચના આપી છે કે સદરહુ યોજનામાં કુલ 117 બ્લોક આવેલ છે અને દરેક બ્લોકમાં 12 ફલેટ મળીને કુલ 1404 આવાસો આવેલા હતાં. તે પૈકી જે કોઇ આવાસો/બ્લોકસ જો ભયજનક સ્થિતિમાં જણાય તો તકેદારીના ભાગરૂપે આવા આવાસોનો રહેણાંક તરીકે વપરાશ બંધ કરીને અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ-2018 થી વર્ષ 2023 સુધી દર વર્ષે ચોમાસાની ઋતુ પહેલા જાહેર નોટીસ વર્તમાન પત્રમાં પ્રસિઘ્ધ કરીને સાવચેત કરવામાં આવેલ છે તેમજ જુન-2023માં તમામ 1404 આવાસોને ધ જી.પી.એમ.સી. એકટ-1949ની કલમ-264 હેઠળ તમામ 1404 આવાસો જર્જરીત જાહેર કરવામાં આવેલ છે અને ત્યારબાદ સ્લમ શાખા, એસ્ટેટ શાખા, સિકયુરીટી શાખા, પીજીવીસીએલ વિભાગ અને પોલીસ વિભાગની ટીમ દ્વારા વર્ષ 2024 થી 2025 દરમિયાન સદરહુ આવાસ યોજનાના એસોસિએશન સાથે રૂબરૂ સ્થળ મુલાકાત લઇ બ્લોક નં.52 થી 117 એમ કુલ 66 બ્લોક મળી એક બ્લોકમાં 12 આવાસ મુજબ કુલ 792 આવાસોમાં રહેતા લોકોને તેઓનો સર સામાન ખાલી કરીને અન્યત્ર ખસી જવા માટે પુરતો સમય આપીને માનવીય અભિગમ સાથે એફ.પી.-95 વાળી જગ્યામાં આવેલ તમામ 792 આવાસોનું સંપૂર્ણ પણે પાડતોડ કરવામાં આવેલ છે.
આ 1404 આવાસ યોજનામાં હાલની સ્થિતિએ એફ.પી.-55 વાળી જગ્યામાં 1 થી 51 બ્લોક મળી દરેક બ્લોકમાં 12 આવાસ મુજબ કુલ 612 આવાસો હજુ પણ જર્જરીત હાલતમાં હોય અને તે પૈકી કેટલાક આવાસોમાં સરસામાન સાથે બંધ હાલતમાં છે અને કેટલાક આવાસોમાં હજુ પણ આસામીઓ રહેણાંક તરીકે વપરાશ કરતા હોય આથી આગામી ચોમાસાની ઋતુને ઘ્યાનમાં રાખીને કોઇ આકસ્મિક ઘટનાના ઉદભવે તેથી સાવચેતીના ભાગરૂપે આ તમામ 612 આવાસ ધારકોને આખરી નોટીસથી નોટીસ પ્રસિઘ્ધ થયાના દિન-07માં તમામ આવાસોમાંથી સરસામાન સંપૂર્ણ પણે ખાલી કરી અન્યત્ર સલામત સ્થળે ખસી જવા આથી તાકીદ કરવામાં આવી છે જો તેમ કરવામાં નહિં આવે તો જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ 612 આવાસો ખાલી કરાવવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને આથી જે કોઇ આવાસ ધારકોના સરસામાન બાબતે નુકસાન અંગે કે જર્જરીત આવાસમાં કોઇ આકસ્મિક ઘટનાથી સંભવિત જાન હાની થવા અંગે જામનગર મહાનગરપાલિકાની કોઇ જવાબદારી રહેશે નહિ તેમ જામનગર મહાનગર પાલિકાની યાદી જણાવે છે.


