જામનગર શહેરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં રહેતા મહિલાએ મકાનનું ઇન્ટીરીયર કામ કર્યા બાદ ત્રણ મહિલાઓએ ઇન્ટીરીયર કરનાર મહિલાની સાથે રૂા. 4.20 લાખ નહીં આપી છેતરપિંડી કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં જોગર્સ પાર્ક, ડોમિનોઝ પીત્ઝાની સામેના એપાર્ટમેન્ટમાં રહેતાં નીલુબેન કીર્તિભાઇ શાહ નામની ઇન્ટીરીયર ડિઝાઇન કરતી મહિલાને ચાર્મીબેન ગજાનન વ્યાસ નામના મહિલાએ વિશ્વાસમાં લઇ તેમના મકાનનું ઇન્ટીરીયર કામ નીલુબેનને પાંચ લાખ રૂપિયામાં કરવા આપ્યું હતું. આ કામ પેટે નીલુબેનને કટકે કટકે રૂા. 80 હજાર ચૂકવ્યા હતા. તેમજ રૂા. 2,84,500ની કિંમતનો બંધન બેન્કનો ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થયો હતો. જેથી નીલુબેનએ બાકી નીકળતા રૂા. 4.20 લાખની ઉઘરાણી કરી હતી. પરંતુ ચાર્મીબેન દ્વારા પૈસા આપવાની આનાકાની કરતાં જાગૃતિબેન વ્યાસ દ્વારા પૈસા અપાવી દેવાની નીલુબેનને ખાતરી આપવામાં આવી હતી. તેમજ નાહેલાબાનુ મેમણ નામની મહિલાએ નીલુબેનને ખોટા મેસેજો કરી હેરાન પરેશાન કરી, છેતરપિંડી આચરવામાં ચાર્મીબેનને મદદ કરી હતી. આમ, ત્રણ મહિલાઓ દ્વારા પૂર્વઆયોજિત કાવતરૂં રચી રૂા. 4.20 લાખની છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.