જામનગર જિલ્લામાં પર્યાવરણનું સંરક્ષણ સુનિશ્ર્ચિત કરવા તથા ઔદ્યોગિક પ્રદૂષણ પર અસરકારક નિયંત્રણ લાવવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી), પ્રાદેશિક કચેરી, જામનગર દ્વારા સતત મોનિટરિંગ અને સઘન તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંતર્ગત તાજેતરમાં રાત્રિના સમયે શંકર ટેકરી ઔદ્યોગિક વિસ્તાર, જી.આઈ.ડી.સી. વિસ્તાર તથા ચેલા-ચંગા રોડ પર આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ઇલેક્ટ્રોપ્લેટિંગ એકમોમાંથી થતા પ્રદૂષણ અંગે વિશેષ ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બે ઔદ્યોગિક એકમો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિર્ધારિત પ્રદૂષણ નિયંત્રણના ધોરણોનું પાલન કરતા ન હોવાનું જણાતા તેમની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેનો અહેવાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી, ગાંધીનગરને મોકલી આપવામાં આવ્યો છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન જિલ્લાના પ્રદૂષણકારક ઔદ્યોગિક એકમો સામે પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કુલ 21 ઔદ્યોગિક એકમોને કારણદર્શક નોટિસ, 10 એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન તેમજ 13 એકમોને બંધ કરવાના આદેશો કરવામાં આવ્યા છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે નિયમોનુસાર કડક કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રાખવામાં આવશે. જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમોને પ્રદૂષણ નિયંત્રણના નિયત ધોરણોનું ચુસ્તપણે પાલન કરવા, જરૂરી પ્રદૂષણ નિયંત્રણ વ્યવસ્થાઓ કાર્યરત રાખવા તથા સ્વચ્છ અને હરિત પર્યાવરણના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.


