ભારતની સૌપ્રથમ દેશી ગૌવંશ માટેની યુનિવર્સિટીની થઈ રહી છે સ્થાપના ગૌ વિશ્વવદ વિદ્યાપીઠમ્ ના પહેલા કુલગુરુ તરીકે જામનગરના ડો. હિતેશ જાનીની નિયુક્તિ કરવામાં આવી છે.

તા 17ના રોજ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગૌ-વિશ્વ વિદ્યાપીઠની સ્થાપના થઈ રહી છે. તેના પ્રથમ કુલગુરુ તરીકે જામનગરના ડો. હિતેશ જાનીની નિયુક્તિ કરવામાં આવી છે. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો વલ્લભ ભાઈ કથીરિયા સહિતના બનેલા એડવાઇઝરી બોર્ડમાં જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાની પણ પસંદગી કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટના ધારાસભ્ય ડો દર્શિતાબેન શાહ, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ભાઈ ઠાકર, ઇનોવેટિવ ફોરમના એસ એન ડાંગાયાચ, કડી સર્વ વિદ્યાપીઠના ચેરમેન વલ્લભભાઈ પટેલ, મનોજભાઈ સોલંકી, પરબત ગોરસીયા (કચ્છ) સહિતની એડવાઈઝરી સમિતિની રચના કરવામાં આવી છે.
ગૌસેવા ગતિવિધિના અખિલ ભારતીય પ્રશિક્ષણ પ્રમુખ કે એન રાઘવનજી ચેન્નાઈ નાગપુર ગૌવિજ્ઞાન સંસ્થાનના સુનીલ માનસિંહકા અને આરએસએસના પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ આ ગૌ વિશ્વ વિદ્યાપીઠના ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનિય છે કે, ગૌ વિશ્વ વિદ્યાપીઠમ્ ના પહેલા કુલપતિ તરીકે ભારતના પ્રખ્યાત આયુર્વેદાચાર્ય ડો. હિતેશ જાની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપાલ છે. હાલમાં તેઓ ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે.