જામનગર શહેરના કિસાન ચોક વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઇડ દરમિયાન રૂા.6 હજારની કિંમતની દારૂની 12 બોટલ મળી આવતા બે શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના સતાપરથી ચુર ગામ જવાના માર્ગ પરથી પસાર થતા બે શખ્સોને પોલીસે દારૂની બે બોટલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના દિ.પ્લોટ 49 વિસ્તારમાંથી દારૂની બોટલ સાથે બાઈક સવાર શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના કિસાન ચોક વિસ્તારમાં રહેતાં ઈરફાન દરજાદા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.6 હજારની કિંમતની દારૂની 12 બોટલ મળી આવતા પોલીસે ઈરફાન મજીદ દરજાદા નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં વિશાલ બાબુ મંગે નામના શખ્સ પાસેથી દારૂનો જથ્થો ખરીદ્યાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના સતાપરથી ચૂર ગામ જવાના રસ્તા પર પસાર થતા અંકુર દિનેશ કણસાગરા અને નગા જેઠા મોરી નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1,000 ની કિંમતની દારૂની બે બોટલો મળી આવતા પોલીસે પાંચ હજારની કિંમતનો મોબાઇલ અને દારૂના જથ્થા સહિત 6 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો સતાપરના બીજલ રામા મોરી પાસેથી ખરીદ્યાની કેફીયત આપી હતી. જેના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરનાં દિ.પ્લોટ 49 વિસ્તારમાંથી જીજે-10-બીએલ-2191 નંબરના બાઈક પર પસાર થતા બસીર અબ્બાસ બાબવાણી નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે બસીરની અટકાયત કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.