17 જૂન 2025 ના હોન્ડાએ તેના પ્રથમ ફરીથી વાપરી શકાય તેવા રોકેટનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ હતું. અવકાશ સંશોધનમાં હોન્ડાની આ પહેલી મોટી સિધ્ધી છે. કંપનીનો હેતુ 2029 સુધીમાં સબ ઓર્બિટલ ફલાઈટ પ્રાપ્ત કરવાનો છે. જે ઉપગ્રહ પ્રક્ષેપણ અને ડેટા સેવાઓમાં ક્રાંતિ લાવી શકે છે.
જાપાનની પ્રખ્યાત કાર કંપની હોન્ડાએ એક નવો ઈતિહાસ રચ્યો છે. 17 જૂન 2025ના રોજ હોન્ડાએ તેના પ્રથમ ફરીથી વાપરી શકાય તેવા રોકેટનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ હતું. આ પરિક્ષણ જાપાનના હોક્કાઈડો પ્રાંતના તાઈકી ટાઉનમાં થયું હતું. જ્યાં 6.3 મીટર લાંબા રોકેટે 271.4 મીટરની ઉંચાઈ મેળવી હતી. તેણે ફકત 37 સેન્ટીમીટરની ભુલ સાથે ચોકકસ ઉતરાણ કર્યુ. હોન્ડાનો આ પ્રકારનો પહેલો પ્રયોગ હતો. જેણે રોકેટની સ્થિરતા અને લેન્ડીંગ ટેકનોલોજીને સાબિત કરી કંપનીનો ધ્યેય 2029 સુધીમાં આ રોકેટ સબઓર્બિટલ સ્પેસ ફલાઈટ કરી શકશે.
કાર, બાઈક અને રોબોટસ માટે જાણીતી હોન્ડા હવે અવકાશની દુનિયામાં પ્રવેશ કરી રહી છે. હોન્ડાની સંશોધની શાખા હોન્ડા આર એન્ડ ડી કંપની લિમિટેડે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ફરીથી વાપરી શકાય તેવું રોકેટ બનાવ્યું છે. સામાન્ય રીતે પરંપરાગત એકસ્પેન્ડેબલ લોન્ચ વ્હીકલ એકવાર ઉડયા પછી નાશ પામે છે. પરંતુ, આ રોકેટ સીધુ ઉડે છે. 100 કિલોમીટરની ઉંચાઈ સુધી પહોંચે છે અને પછી સીધુ ઉતરે છે. હોન્ડાનું આ રોકેટ ભવિષ્યમાં અવકાશમાં ઉપગ્રહો અને ડેટા સેવાઓ લોન્ચ કરવા માટે ઉપયોગી થઈ શકે છે.
હોન્ડાએ 2021 માં જાહેરાત કરી હતી કે તે અવકાશ તકનીકો પર કામ કરી રહી છે. પરંતુ, પરિક્ષણની વિગતો ગુપ્ત રાખવામાં આવી હતી. કંપની 2029 સુધીમાં સબ ઓર્બિટલ ફલાઈટ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે તે એવી છે જે અવકાશની ધાર સુધી જાય છે પરંતુ, પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રવેશતી નથી. આ રોકેટ બનાવવા માટે હોન્ડાએ તેની ઓટોમોબાઇલ અને ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. કંપનીની કમ્બશન ટેકનોલોજીના કંટ્રોલ ટેકનોલોજી અને ઓટોમેટેડ ડ્રાઈવિંગ સિસ્ટમે આ રોકેટને સ્થિર અને સચોટ બનાવવામાં મદદ કરી હતી. હોન્ડા કહે છે કે, ટેકનોલોજી ભવિષ્યમાં સેટેલાઈટ લોન્ચ અને પર્યાવરણીય ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે.