Tuesday, May 19, 2026
Homeરાજ્યહાલારદ્વારકા પીઆઇ સહિતના અધિકારીઓને અદાલતનું તેડું

દ્વારકા પીઆઇ સહિતના અધિકારીઓને અદાલતનું તેડું

દ્વારકા મંદિરે દર્શનાર્થી પરિવાર સાથે વહીવટદાર અને પોલીસ અત્યાચાર મામલે કરાયેલ કેસમાં દ્વારકા પીઆઇ સહિતના અધિકારીઓને અદાલતનું તેડું આવતા ચકચાર જાગી છે. આ અંગેની વિગત મુજબ તા. 20-04-2024ના ડો. વિવેકભાઇ શુક્લા પોતાના પરિવાર સાથે કાળિયા ઠાકોરના દર્શને આવ્યા હતા. કાળઝાળ ગરમીમાં પત્નીની તબિયત બગડતાં એક પતિ અને પિતા તરીકે તેઓ છાયામાં ઉભા રહ્યાં પરંતુ સેવાની આશા રાખતા આ શ્રદ્ધાળુ પરિવારને સુરક્ષાકર્મીઓના તિરસ્કાર અને તોછડાં વર્તનનો સામનો કરવો પડયો હતો. દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુભાઇ ચૌહાણએ પરિસ્થિતિ સંભાળવાને બદલે સત્તાના જોરે પીઆઇ વિપુલ કોઠિયાને જાણ કરી પોલીસ બોલાવી પરિવારનું પોલીસ સ્ટેશનમાં ડીટેઇન કરાવ્યા હતા. મેડીકલ ઓફીસર સાથે ગુનેગાર જેવું વર્તન કરી પીઆઇએ કાયદાનો રક્ષક મટીને ભક્ષકની ભૂમિકા ભજવી હતી અને ડોકટરને માનસિક અને શારીરિક રીતે તોડી પાડવા પ્રયાસ કરાયો હતો. તેમજ 11 વર્ષની બાળકીને બપોરે બે વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી માતા-પિતાથી અલગ કરી દેવામાં આવી હતી.

- Advertisement -

આ ગંભીર માનવ અધિકાર ભંગના મામલે દ્વારકાના એડી. ચીફ જ્યુડિ. મેજિ.એ અત્યંત કડક વલણ અપનાવ્યું છે અને કોર્ટે આ ઘટનાને “અત્યંત દુ:ખદ અને અમાનવીય” ગણાવી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, મંદિર અને પોલીસ સ્ટેશનના ફૂટેજ સાથે કોઇ છેડછાડ ન થાય અને તેને તુરંત સુરક્ષિત કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે. વહીવટદાર અને દ્વારકા પીઆઇ સહિતના જવાબદાર અધિકારીઓને કોર્ટ સમક્ષ હાજર થઇ જવાબ આપવા આદેશ કરાયો છે. વધુમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા આ અંગે કલેક્ટર, એસપી, દ્વારકાધીશ મંદિરના વહીવટદાર, પીઆઇ વી. કે. કોઠિયા તથા અન્ય પોલીસ કર્મચારીઓને હાજર રહી ખુલાસો કરવા આદેશ કર્યો છે.

કોર્ટે આ કેસમાં પોલીસ તપાસને બદલે સીધો હસ્તક્ષેપ કેમ કર્યો? તેનું સૌથી મહત્ત્વનું કારણ આપતા એડી. ચીફ જ્યુડી. મેજિ.એ નોંધ્યું છે કે, આ કેસમાં જેમના વિરૂદ્ધ ગંભીર આક્ષેપો છે તે જ વ્યક્તિઓ એટલે કે દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઇ અને મંદિરના વહીવટદાર સત્તા અને કમાન્ ધરાવે છે. જગત મંદિર અને પોલીસ સ્ટેશનના પરિસર સીધા જ આ આરોપીઓના નિયંત્રપણ હેઠળ છે. આવી પરિસ્થિતિમાં જો પોલીસ તપાસ સોંપવામાં આવે તો તે તટસ્થ અને નિષ્પક્ષ રહેવાની શક્યતા નહીંવત છે. આથી કોર્ટ તપાસનો હુકમ કરવામાં આવ્યો છે. પુરાવાઓ સાથે છેડછાડ થવાની ભીતિ જોતા કોટેૃ પોતે જ સત્ય બહાર લાવવા માટે સીસીટીવી ફૂટેજ સુરક્ષિત કરવાનો કડક આદેશ કર્યો છે.

- Advertisement -

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા તેમના આદેશમાં એવુ જણાવાયું છે કે, દ્વારકાધીર મંદિરમાંથી આવી ઘટના વારંવાર બનતી હોવાનું સંભળાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular