આ ફરિયાદની હકીકત એવી છે કે, ફરિયાદી ભારમલ કમાભાઈ મોરી (રે. મોટી ખાવડી) નામના યુવાનને ગઈ તા. 11-04-2016ના રાત્રિના આઠ વાગ્યાના અરસામાં તેમની ચાની કેબિને વેપાર ધંધો કરતાં હતા ત્યારે પોલીસની ગાડી આવેલ તથા તેમાંથી મેઘપર પો.સ્ટે.ના પીએસઆઈ એમ. જે. જલુ, પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા પો. કોન્સ. ધરણાંત ડાડુભાઈ ચંદ્રવડિયા ગાડીમાંથી નીચે ઉતરેલા તથા ફરિયાદી પાસે જઈ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ, જેથી ફરિયાદી ભારમલ ભાઈએ ગાળો શા માટે બોલો છો? તેમ પૂછતાં પીએસઆઈ એમ. જે. જલુએ તેને કહેલ કે, તને બહુ વાવડો આવી ગયો છે, અમારી સામે બોલશ, તારી સર્વિસ કરવી પડશે તેમ કહીને પો. કો ધરણાંતભાઈને ફરિયાદીને પકડવાનું કહેલ અને પીએસઆઈ. એમ. જે. જલુ અને પો.કો.ધર્મેન્દ્રસિંહ ફરિયાદીને લાકડીથી માર મારવા લાગ્યા હતા. તે વખતે ચાની રેકડીએ બેઠેલા મહિપતસિંહ નાથુભા જાડેજા વચ્ચે પડેલ અને કહેલ કે, આને વાંક ગુના વગર શા માટે મારો છો? તો પીએસઆઈ. એમ. જે. જલુ અને પો.કો. ધર્મેન્દ્રસિંહએ તેને પણ ઝાપટો મારેલ અને બન્નેને ઉઠાવી લઈ પોલીસ જીપમાં નાખી મેઘપર પો. સ્ટેશને લઈ જઇ અને બન્નેને પો.સ્ટે.માં જમીન પર બેસાડી દીધો હતો. ત્યારબાદ થોડીવાર પછી ફરિયાદીએ હાજર પોલીસવાળાને તેમને શા માટે બેસાડેલ છે. તેમ પૂછતાં પી.એસ.આઈ. એમ. જે. જલુ તથા ધર્મેન્દ્રસિંહએ ફરીથી લાકડીથી બેફામ મારકૂટ કરી હતી. અને મોડી રાત્રિના ધાકધમકી આપી, ધક્કા મારી પો.સ્ટેશનમાંથી કાઢી મૂકયો હતો.
ત્યારબાદ બીજા દિવસે પોલીસના મારને કારણે ફરિયાદીને સખત દુખાવો થતો હતો. ફરિયાદીએ તેમના ભાઈ નાથાભાઈ, તેમના મિત્ર ચંદુભા માધુભા જાડેજા તથા મહિપતસિંહને ઘરે બોલાવી વાત કરતાં ફરિયાદીને સારવાર માટે જી. જી. હોસ્પિટલ-જામનગરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા એમ.એલ.સી કેસ નોંધી સારવાર કરવામાં આવી હતી.પરંતુ એમ.એલ.સી.ના આધારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી તા. 25-04-2016ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ કરવામાં આવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફરિયાદી દ્વારા તેમના વકીલ નિખિલ બી. બુદ્ધભટ્ટી મારફત લાલપુર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવ્યો હતો. જે ફરિયાદના કામે લાલપુર કોર્ટ દ્વારા ઇન્ક્વાયરી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ઇન્ક્વાયરીમાં ફરિયાદી ભારમલ મોરી, તેમના ભાઈ નાથાભાઈ મોરી, મિત્ર ચંદુભા માધુભા જાડેજા, મહિપતસિંહ નાથુભા તથા જી. જી. હોસ્પિટલના ડોક્ટરના નિવેદનના આધારે લાલપુરના જ્યુડી. મેજી. કડોલિયા દ્વારા આરોપી પી.એસ.આઈ. એમ. જે. જલુ, પો.કો. ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા પો.કો. ધરણાંત ડાડુભાઈ ચંદ્રવડિયા વિરુદ્ધ ભારમલ મોરી તથા મહિપતસિંહને કરવામાં આવેલ મારકૂટ તથા અપહરણ કરી ઉઠાવી લઈ જઈ પો. સ્ટે.માં ગેરકાયદેસર ગોંધી રાખી, મારકૂટ કરી ગાળો કાઢી, ધમકી આપવા અંગે આઈ. પી. સી. કલમ 323, 365, 341, 504, 506, 114 મુજબની ફરિયાદ રજિસ્ટરે લઈ આરોપીઓ વિરુદ્ધ કેસ ચલાવવા હુકમ કરી આરોપીઓને કોર્ટમાં હાજર થવા સમન્સ કરવા હુકમ કરવામાં આવેલ છે.
આ કામમાં ફરિયાદી તરફે એડવોકેટ નિખિલ બી. બુદ્ધભટ્ટી, પાર્થ ડી. સામાણી, મહાવીરસિંહ બી. જાડેજા તથા સમર્થ આર. વેકરિયા રોકાયેલા છે.


