Thursday, July 23, 2026
Homeવિડિઓજામનગર જિલ્લામાં ખરીફ વાવેતર બાવન ટકા, વરસાદની ખેંચથી ખેડૂતોમાં ચિંતા - VIDEO

જામનગર જિલ્લામાં ખરીફ વાવેતર બાવન ટકા, વરસાદની ખેંચથી ખેડૂતોમાં ચિંતા – VIDEO

જામનગર જિલ્લામાં ચાલુ ખરીફ સીઝનમાં વરસાદની અનિયમિતતા અને લાંબા વિરામના કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ વાવેતરના માત્ર 52 ટકા જેટલું વાવેતર પૂર્ણ થયું છે, જ્યારે અનેક ગામોમાં હજુ પણ પૂરતો વરસાદ ન થતાં વાવણી થઈ શકી નથી. બીજી તરફ, જેમણે મોંઘા બિયારણ અને ખાતર સાથે વાવેતર કર્યું છે તેવા ખેડૂતો પણ હવે પાક બચાવવા માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી રિતેશ ગોહેલ દ્વારા ખરીફ વાવેતરની હાલની સ્થિતિ અને વરસાદની ખેંચ દરમિયાન ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

ખેતીવાડી વિભાગના આંકડા મુજબ જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ પ્રમાણે દર વર્ષે આશરે 3,47,485 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થાય છે. તેની સામે હાલ સુધીમાં માત્ર 1,89,022 હેક્ટર વિસ્તારમાં જ વાવેતર પૂર્ણ થયું છે, જે કુલ સરેરાશ વાવેતરના અંદાજે 52 ટકા જેટલું છે.

- Advertisement -

હાલ સુધી થયેલા વાવેતરમાં સૌથી વધુ વિસ્તાર મગફળીનો 1.33 લાખ હેક્ટર, કપાસનો 44,400 હેક્ટર અને સોયાબીનનો અંદાજે 9,000 હેક્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કઠોળ, શાકભાજી તથા ઘાસચારાના પાકોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ એરંડા અને તુવેર જેવા પાકોનું વાવેતર મોડું થતું હોવાથી જિલ્લામાં કુલ વાવેતરનો ચોક્કસ આંકડો ઓગસ્ટના અંત સુધીમાં સ્પષ્ટ થશે.

તાલુકાવાર વાવેતરમાં કાલાવડ પ્રથમ, જામજોધપુર બીજા ક્રમે જિલ્લામાં અત્યાર સુધીના વાવેતરમાં કાલાવડ તાલુકો પ્રથમ સ્થાને રહ્યો છે. કાલાવડમાં કુલ 69,137 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે, જેમાં 47,867 હેક્ટર મગફળી અને 18,893 હેક્ટર કપાસનો સમાવેશ થાય છે. તે પછી જામજોધપુર તાલુકામાં 46,308 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે, જ્યાં આ વર્ષે પ્રમાણમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોને લાભ મળ્યો છે.

- Advertisement -

ધ્રોલ તાલુકામાં કુલ 14,642 હેક્ટર વાવેતર થયુ છે. જામનગર તાલુકામાં 37,840 હેક્ટર વાવેતર થયુ છે. જોડિયા તાલુકામાં 16,004 હેક્ટર વાવેતર થયુ છે. લાલપુર તાલુકામાં માત્ર 5,091 હેક્ટર વાવેતર થયુ છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જ્યાં સારો વરસાદ થયો છે ત્યાં વાવેતર વધુ થયું છે, જ્યારે વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં ખેડૂતો હજુ પણ વાવણીની રાહ જોઈ રહ્યા છે.

હાલાર પંથકમાં વરસાદ લાંબા સમયથી ખેંચાતા ખેડૂતોમાં દુષ્કાળ જેવી સ્થિતિની ભીતિ ઊભી થઈ છે. ઘણા ખેડૂતોએ કર્જ લઈને મોંઘા બિયારણ, ખાતર અને દવાઓની ખરીદી કરી હતી. વાવેતર બાદ હવે વરસાદ ન પડતા પાક સુકાઈ જવાની ભીતિ વધી રહી છે. ખેતી નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી 10થી 15 દિવસમાં પૂરતો વરસાદ નહીં થાય તો લાંબી અવધિના બિયારણ વાવણી માટે યોગ્ય રહેશે નહીં, જેના કારણે ખેડૂતોને ફરી ટૂંકી અવધિના બિયારણ ખરીદવાની ફરજ પડી શકે છે. બીજી તરફ, જેમણે પહેલેથી જ વાવેતર કર્યું છે તેઓએ પ્રતિ વિઘા અંદાજે 30થી 40 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કર્યો છે. જો વરસાદ નહીં આવે તો આખો ખર્ચ માથે પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

જામનગરના જિલ્લાના ખેડૂતો વરસાદના અભાવે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક ખેડુતો જણાવ્યું કે એક મહિના પહેલા ભારે મુશ્કેલી વચ્ચે ખાતર અને બિયારણ મેળવી કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ ન થતાં હવે પાક નિષ્ફળ જવાની ભીતિ છે. કપાસ ઉપરાંત ભીંડા, રીંગણા સહિતના શાકભાજીના પાક પણ વરસાદના અભાવે બળી રહ્યા છે. ઉપરથી બજારમાં શાકભાજીના પૂરતા ભાવ પણ મળતા નથી. કેટલાક ખેડૂતોને રીંગણા માત્ર રૂ. 1 પ્રતિ કિલોના ભાવે વેચવાની ફરજ પડી રહી છે, જેના કારણે ખર્ચ પણ નીકળતો નથી.

ખેડૂતોએ સરકારને તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવા તેમજ કુદરતી નુકસાનને ધ્યાનમાં રાખીને આર્થિક રાહત આપવા માંગ કરી છે. જામનગર જિલ્લામાં હાલની સ્થિતિ એવી છે કે હજારો ખેડૂતોની આશા હવે આગામી વરસાદ પર ટકેલી છે. સમયસર સારો વરસાદ થશે તો પાક બચી શકે છે, પરંતુ જો વરસાદની ખેંચ વધુ લંબાશે તો જિલ્લાના કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન ભોગવવું પડી શકે છે. ખેડૂતો હવે સરકારની સહાય અને મેઘરાજાની કૃપા બંનેની રાહ જોઈ રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular