જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલતા વાતાવરણના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. શહેરભરમાં જાહેર માર્ગ, શેરી, સોસાયટીમાં મચ્છરોથી લોકો ત્રાહીમામ થયા છે. ખાસ કરીને સુર્યોદય અને સુર્યાસ્તના સમયે મચ્છરો વધુ સંખ્યામાં જોવા મળે છે. મચ્છરનો ઉપદ્રવ વધતાની સાથે જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય ટીમ હરકતમાં આવી છે. અને શહેરમાં દૈનિક 120 ટીમ દ્રારા સર્વેલન્સ સહીતની વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્રારા ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. જે માટે દૈનિક 120 ટીમ દ્રારા એક હજારથી વધુ ઘરમાં સર્વે કરવામાં આવે છે. અઠવાડીયામાં અંદાજે 65 હજાર ધરમાં સર્વેની કામગીરી કરવામાં આવે છે. દરેક ટીમમાં 2 સભ્યોની ટીમ બનાવીને ટીમ દ્રારા ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે. જેમાં ખુલ્લા પાણીના પાત્રને ઢાંકવા, અને પાણીમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરના નદી, નાલા, કેનાલ, મોટા ખાડા જયા પાણી ભરાયા હોય ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે છે. તેમજ ફોગીંગની કામગીરી કરવામાં આવે છે. જામનગર મહાનગર પાલિકાના મલેરીયા ઓફિસર ડો.દિલીપ પંચાલે જણાવ્યુ કે હાલ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. પરંતુ મચ્છરજન્ય રોગચાળો ફેલાયો નથી. જાન્યુઆરીથી હાલ સુધીમાં ડેગ્યુના 6, મલેરીયાના 2, ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે.