જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં સેન્ટ્રલ જીએસટીની અલગ-અલગ બે ટીમો ત્રાટકી હતી અને બ્રાસના મોટા ઉદ્યોગ ગ્રુપના જુદા-જુદા બે એકમો સહિતની ત્રણ પેઢીમાં બિલિંગ કૌભાંડના સંદર્ભમાં તપાસણીમાં બે દિવસના સર્ચ ઓપરેશન પછી ત્રણેય પેઢીમાંથી ચોપડા સહિતનું સાહિત્યા કબજે કરી અને તે પઢીને સંલગ્ન એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં પણ ચકાસણી હાથ ધર્યા પછી કેટાલોક બ્રાસપાર્ટનો તૈયાર માલ સીઝ કરીને રાખી દેવાયો છે.
આ દરોડાની વિગત મુજબ મુંબઇની બ્રાસના ઉદ્યોગ સાથે સંકળાયેલી એક પેઢીમાં તાજેતરમાં સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા દરોડામાં બિલિંગ કૌભાંડ સામે આવ્યું હતું, અને તેના તાર જામનગરના એક બ્રાસ ઉદ્યોગકારના અલગ અલગ બે એકમો સાથે જોડયા હોવાથી સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા તપાસનો દોર જામનગર સુધી લંબાવ્યો હતો અને તા. 10ના રાજકોટ તરફથી અલગ-અલગ બે ટુકડીઓ જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવી પહોંચી હતી અને એક બ્રાસના ઉદ્યોગકારના ગ્રુપના અલગ-અલગ બે એકમો ઉપર સામૂહિક રીતે દરોડા પાડવામાં આવ્યા હતાં.
ત્યાર પછી બ્રાસપાર્ટ અને અન્ય એક પેઢી કે જેની સાથે જોડાયેલી હતી તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની જીએસટીની ટુકડીની પણ મદદ લેવામાં આવી હતી. સતત બે દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન પછી ત્રણેય એકમોમાં બે સ્થળે તેના માલિક હાજર ન હતા. જેથી તેઓને જીએસટી સમક્ષ હાજર થવા માટે નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે. જયારે ત્રણેય પેટીમાંથી ચોપડાઓ સહિતનું સાહિત્ય કબજે કરી લેવાયું છે અને જીએસટીની ટીમ સાથે લઇ ગઇ છે.
આ ઉપરાંત સેન્ટ્રલ જીએસટીની ટીમની તપાસણી અને આર્થિક તેમજ માલસામાનની લેવડ-દેવડના વ્યવહારાની ચકાસણીમાં જામનગરની એક ટ્રાન્સપોર્ટની પેઢીમાં તૈયાર માલ સપ્લાય કરવા માટે મોકલ્યો હોવાનું જાવા મળ્યું હતું. જેથી જામનગરની એક ટ્રાન્સપોર્ટની પેઢીના ગોડાઉનમાં જીએસટીની ટુકડી પહોંચી થઇ હતી અને ત્યાં પણ સર્વે હાથ ધરાવમાં આવ્યો હતો. જેમાં ટ્રાન્સપોર્ટના માલિક હાજર ન હતા. પરંતુ એક ટ્રકમાં બ્રાસના પાર્સલો મૂકવામાં આવેલા હતા. જે ઉપરોકત પેઢીના સંદર્ભમાં આવેલા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તે તમામ પાર્સલને નીચે ઉપારી હાલ સીઝ કરીને રાખી દેવામાં આવ્યા છે અને તેના બિલ વગેરે સાથે ટ્રાન્સપોર્ટરને હાજર થવા ફરમાન કરાયું છે.