આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણીના નિકાલ અને પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે હાથ ધરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરીની આજે શાસકો અને અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કરીને કામગીરીની પ્રગતિ અંગે વિગતો મેળવવામાં આવી હતી તેમજ જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
જામનગર મહાનગરપાલિકાની નવી ટીમ દ્વારા ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વિસ્તારોને પ્રાથમિકતા આપીને કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ મુલાકાતમાં મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવીણાબેન રૂપડિયા સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. અધિકારીઓમાં આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા, કંટ્રોલિંગ અધિકારી કેતન કટેશિયા તેમજ સંબંધિત વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram
શાસકો અને અધિકારીઓએ ખોડિયાર મંદિર પાસે આવેલી કેનાલના સ્થળ મુલાકાત લઈ વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત શહેરના અન્ય વિવિધ વિસ્તારોમાં પણ જઈને પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સ્થળ પર અધિકારીઓ પાસેથી કામની સ્થિતિ, પૂર્ણતાનો સમયગાળો અને બાકી રહેલી કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં કુલ સાત જેટલા પ્રિ-મોન્સૂન સંબંધિત કામો હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરી પાછળ અંદાજે રૂ. 31 લાખનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. વરસાદી પાણીના સરળ નિકાલ માટે નાળા, કેનાલ અને અન્ય ડ્રેનેજ વ્યવસ્થાની સફાઈ તેમજ જરૂરી મરામત અને જાળવણીના કામો ચાલી રહ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન શાસકોએ દાવો કર્યો હતો કે, ચોમાસા દરમિયાન શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય નહીં તે માટે અગાઉથી જ આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં જ્યાં દર વર્ષે પાણી ભરાવાની ફરિયાદો સામે આવે છે તેવા વિસ્તારોને ખાસ ધ્યાનમાં રાખીને કામો હાથ ધરવામાં આવ્યા છે.
શાસકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીનો ઝડપી અને સરળ નિકાલ થઈ શકે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને ચોમાસા પહેલા તમામ મહત્વની કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરના નાગરિકોને વરસાદ દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું હોવાનું પણ જણાવાયું હતું.
સ્થળ મુલાકાત દરમિયાન શાસકોએ અધિકારીઓને કામગીરીની ગુણવત્તા જાળવવા અને નક્કી કરાયેલા સમયગાળામાં તમામ કામો પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. સાથે જ વરસાદ શરૂ થાય તે પહેલા તમામ પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ જાય અને શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી ન થાય તે માટે તંત્રને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


