જામનગર શહેરના સિટી ‘એ’ અને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર દારૂની 12,698 બોટલ ઉપર આજે સવારે એરપોર્ટ નજીક સરકારી બૂલડોઝર ફરી વળ્યું હતું.

આ અંગની વિગત મુજબ જામનગર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના નેજા હેઠળ આજે સવારે સિવિલ એરપોર્ટ નજીક આવેલા સીઆઇએસએફ કમ્પાઉન્ડની દીવાલ પાસેના સરકારી ખરાબાની ખુલ્લી જગ્યામાં પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની ઉપસ્થિતિ વચ્ચે શહેરના સિટી ‘એ’ ડિવિઝન પોલીસ વિસ્તારમાંથી ઝડપાયેલી રૂા. 22,06,975ની કિંમતની 7236 બોટલ તથા સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલી રૂા. 12,87,524ની કિંમતની 3469 બોટલ તથા બેડી મરીન સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલી દારૂની બોટલો મળી કુલ રૂા. 43,62,780ની કિંમતની 8128 દારૂની બોટલ, 2474 નંગ ચપલા અને 2096 નંગ બિયરના ટીન મળી કુલ 12,698 બોટલ તથા ટીન ઉપર સરકારી બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને 43 લાખના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.