કોરોના સંકટ વચ્ચે નાણાકીય વર્ષ 2020-21એ જતાં જતાં રોજગાર મોરચે એક સારા સમાચાર આવ્યા છે. ખરેખર ગત મહિને દેશમાં બેરોજગારી દર 6.52% પર આવી ગયો છે. ફેબ્રુઆરી 2021માં બેરોજગારીનો આંકડો 6.90% હતો.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઈકોનોમીના આંકડા અનુસાર માર્ચમાં શહેરી ક્ષેત્રોમાં બેરોજગારી દર 7.24% અને ગ્રામીણ ક્ષેત્રોમાં 6.19% રેકોર્ડ થયો હતો. એટલે કે માર્ચ 2021માં શહેરી ક્ષેત્રોમાં રોજગાર ઘટ્યો છે જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં વધારે લોકોને રોજગાર મળ્યો છે. ફેબ્રુઆરીમાં શહેરી ક્ષેત્રોમાં બેરોજગારીનો દર 6.99% હતો જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં 6.86% હતો. ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષિમાં વધેલા કામકાજને કારણે બેરોજગારીમાં ઘટાડો થયો છે.
સીએમઆઈના સીઈઓ મહેશ વ્યાસે કહ્યું કે જો દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લગાવવાની જરૂર પડશે તો બેરોજગારીના મોરચે સંકટ ઘેરાઈ શકે છે.
હરિયાણામાં બેરોજગારી સતત રેકોર્ડ સ્તરે પહોંચી ચૂકી છે. માર્ચમાં હરિયાણામાં બેરોજગારીનો દર 28.1% નોંધાયો છે. જ્યારે ગોવામાં 22.1%, રાજસ્થાનમાં 19.7%, ત્રિપુરામાં 13.9%, હિમાચલ પ્રદેશમાં 14.3%, બિહારમાં 14.5%, ઝારખંડમાં 12.8% અને દિલ્હીમાં 9.4% રહ્યો છે. જોકે મધ્યપ્રદેશમાં સૌથી ઓછી બેરોજગારી છે. માર્ચમાં અહીં બેરોજગારીનો દર 1.6% રહ્યો છે.