આજે ખોડલધામ – કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી. આ બેઠક પછી પાટીદાર અગ્રણીઓએ પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી લેઉઆ-કડવા નહી પરંતુ પાટીદાર જ લખાશે.

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, હવેથી એવું લખાશે પાટીદારોની મિટિંગ. લેઉવા પટેલ અને કડવા પટેલ એવું નહીં લખવામાં આવે. અલગ અલગ 5 સંસ્થાઓનું ફેડરેશન બનાવવામાં આવશે.તેમજ ફેડરેશનને એક નામ આપવામાં આવશે.
નરેશ પટેલે કહ્યું હતું કે કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી, આગામી CM પાટીદાર સમાજનો હોય એવી ઈચ્છા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું હતું કે કોરોનાકાળમાં ક્યાંક ને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી પરંતુ હાલ ‘આપ’ જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં ‘આપ’નું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. ‘આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે.
બેઠક પૂર્ણ થયા બાદ લેઉવા અને કડવા પાટીદારો સાથે મળીને ખોડલધામ મંદિરમાં ધજા ચડાવી હતી. સામસામે પાટીદાર ઉમેદવાર ચૂંટણી લડવા મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, અમે પાટીદાર ઉમેદવારો સામસામે ચૂંટણી ન લડે તેવો પ્રયાસ કરીશું. જો સામસામે લડશે, તો સક્ષમ ઉમેદવાર જીતે તે માટે સમજાવીશું.