જામનગર નજીક દરેડમાં કચરાના ઢગલામાં અકસ્માતે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. બાજુમાં જ ગૌશાળા આવેલી હોય આગનો ધુમાડો ત્યાં પહોંચતા ગાયોને ગભરામણ થતાં લોકોમાં નારાજગી છવાઇ હતી. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઇ આગને કાબુમાં લીધી હતી.
જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કચરાના એક મોટા ઢગલામાં રવિવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.
આગનું સ્થળ ‘મા દર્શન ગૌશાળા’ને અડીને હોવાથી ગૌશાળામાં રહેલી ગાયોના જીવ પર પણ સંકટ ઊભું થયું છે. આગમાંથી નીકળતા ગાઢ ધુમાડાના કારણે ગાયો શ્ર્વાસ લેવામાં તકલીફ અનુભવતી હોવાથી ગૌશાળામાં દોડધામ મચી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દરેડ જીઆઈડીસી વિસ્તારનો કચરો આ સ્થળે એકત્ર કરવામાં આવે છે. જોકે આ કચરાના ઢગલામાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવા છતાં તેના કાયમી નિવારણ માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર શાખાની ટીમ દોડી જઇ આગને કાબુમાં લીધી હતી.
View this post on Instagram
ઘટનાને પગલે આસપાસના ઉદ્યોગકારો અને સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. તેઓએ જણાવ્યું હતું કે કચરાના ઢગલાને કારણે અવારનવાર આગની ઘટનાઓ સર્જાય છે, જેનાથી આસપાસના કારખાનાઓ, શ્રમિકો તેમજ ગૌશાળામાં રહેલા પશુઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે જોખમ ઊભું થાય છે.


