કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા પ્રૌઢને તેના બે દીકરાઓના લગ્નના ખર્ચાની ચિંતામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

આ અંગેની વિગત મુજબ, જામમનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં દિનેશભાઇ પરસોત્તમભાઇ અકબરી નામના પટેલ પ્રૌઢના બે દીકરાઓની સગાઇ થઇ ગઇ હતી અને બન્નેના લગ્ન કરવાના બાકી હતા. જેથી પ્રૌઢ પિતા બન્ને પુત્રોના લગ્નના ખર્ચની ચિંતામાં રહેતા હતા. તે દરમ્યાન ગત્ તા. 9ના રોજ બપોરના સમયે દિનેશભાઇ નામના પ્રૌઢે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર કિશનભાઇ અકબરી દ્વારા જાણ કરાતા પીએસઆઇ સી. બી. રાંકજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.