જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ચોમાસાની શરૂઆતમાં થયેલા વરસાદ બાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભીમ અગિયારસ સુધી સારો વરસાદ થવાની ખેડૂતોમાં આશા હતી, પરંતુ આ વર્ષે ભીમ અગિયારસના દિવસે પણ મેઘરાજાએ મહેર ન કરતાં નિરાશા વ્યાપી છે.

ખેડૂતોએ પહેલાથી જ કપાસ, મગફળી, સોયાબીન, વિવિધ શાકભાજી તેમજ ઢોર માટેના ઘાસચારાની વાવણી પૂર્ણ કરી દીધી છે. વાવણી બાદ પાકના અંકુરણ અને શરૂઆતના વિકાસ માટે સતત ભેજ જરૂરી હોય છે. પરંતુ વરસાદ ખેંચાતા જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે, જેના કારણે ઉભા પાક પર સંકટ ઊભું થયું છે.
કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ વાવણી બાદ લાંબો વરસાદી વિરામ રહે તો કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકના અંકુરણ પર અસર થઈ શકે છે. જ્યાં જમીનમાં પૂરતો ભેજ ન રહે ત્યાં છોડ સુકાવા લાગે છે અને કેટલીક જગ્યાએ ખેડૂતોને ફરી વાવણી કરવાની પણ ફરજ પડી શકે છે.
View this post on Instagram
ખાસ કરીને આગામી 10થી 15 દિવસમાં સારો વરસાદ નહીં પડે તો અનેક વિસ્તારોમાં પાકને નુકસાન પહોંચવાની શક્યતા વધી શકે છે. હળવી જમીન ધરાવતા વિસ્તારોમાં આ અસર વધુ ગંભીર બની શકે છે, જ્યારે પશુઓ માટે વાવેલો લીલો ઘાસચારો પણ પૂરતો વિકસિત નહીં થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ વરસાદી માહોલ સંપૂર્ણપણે વિખેરાઈ જતાં ખેડૂતોએ આકાશ તરફ મીટ માંડી છે. હાલ ખેતરોમાં સિંચાઈની સુવિધા ન ધરાવતા ખેડૂતો સૌથી વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે. સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો પણ પાણીના મર્યાદિત જથ્થાને કારણે ચિંતામાં છે.
ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે જ્યાં શક્ય હોય ત્યાં ‘સૌની યોજના’ મારફતે કેનાલ અને જળાશયોમાંથી સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી ઉભા પાકને બચાવી શકાય અને ખેડૂતોને આર્થિક નુકસાનથી રાહત મળી શકે.
ખેડૂતોનું કહેવું છે કે સમયસર વરસાદ થાય તો હાલની સ્થિતિમાં પાકને બચાવી શકાય છે, પરંતુ જો વરસાદનો વિરામ વધુ લાંબો ચાલશે તો ઉત્પાદન પર સીધી અસર પડશે અને તેની અસર ખેડૂતોની આવક પર પણ જોવા મળશે. હાલ સમગ્ર હાલાર પંથકના ખેડૂતો મેઘરાજાની કૃપાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.


