જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં વૃદ્ધે ખરીદ કરેલા ફલેટ ઉપરની લોન પૂરી કરવાનું કહેતા ચાર શખ્સોએ માર માર્યો હતો. જેની ફરિયાદ નોંધાવતા ફરીથી વૃદ્ધને આંતરીને હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં વેજાણંદભાઈ હરદાસભાઈ કંડોરીયા નામના વૃદ્ધે સત્યમ કોલોનીમાં આવેલ હરીવલ્લભ ટાવર-1 માં ફલેટ નંબર-203-204 નામના બે ફલેટ પરબત કાના ગોજિયા પાસેથી 30-30 લાખમાં ખરીદ કર્યા હતાં. જે ફલેટ પૈકીના દસ્તાવેજો હકુબેન પરબત ગોજિયાના નામથી હોય જે પૈકીના 203 નંબર વાળો ફલેટ વૃદ્ધની દિકરી વર્ષાબેન નારણ ગોજિયાના નામે છે જ્યારે 204 નંબરનો ફલેટ વૃદ્ધની પત્નીના નામે કરવામાં આવ્યો હતો. આ ફલેટ 204 નંબરના ફલેટ ઉપર પરબત કાના ગોજિયાએ લીધેલી લોનની નોટિસ આવતા વૃદ્ધે પરબતને લોન ભરી દેવાનું કહ્યું છતાં લોન ભરી ન હતી. જેથી વેજાણંદભાઈએ આ મામલે સિટી સી ડીવીઝનમાં પરબત અને તેના પત્ની વિરૂધ્ધ અરજી કરી હતી. જેનો ખાર રાખી પરબત ગોજિયા તથા ત્રણ શખ્સોએ એકસંપ કરી વેજાણંદભાઈને બાઈક પર જતા આંતરીને લોખંડના પાઈપ અને ધોકાઓ વડે દંપતી ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઈ સી.ટી.પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી ચાર શખ્સો વિરૂધ્ધ શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.