લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતાં આહિર પ્રૌઢા લાલપુરમાં ગુજરી બજારમાં ગેઈટ પાસે ઉભા હતાં તે દરમિયાન 25 વર્ષના પાતળા બાંધાના તસ્કરે આવીને પ્રૌઢાના કાનમાંથી 90 હજારની કિંમતનો બે તોલાનો વેઢલો ખેંચીને લૂંટ ચલાવી પલાયન થઈ ગયો હતો.

લૂંટના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતાં મટુબેન મેરામણભાઈ ખવા (ઉ.વ.52) નામના પ્રૌઢા સોમવારે સાંજના સમયે લાલપુરમાં ભરાતી ગુજરી બજારમાં આવ્યાં હતાં અને ગેઈટ પાસે ઉભા હતાં તે દરમિયાન 25 વર્ષના પાતળા બાંધાના અજાણ્યા તસ્કરે પ્રૌઢાના કાનમાં પહેરેલો રૂા. 90 હજારની કિંમતનો બે તોલાનો સોનાનો વેઢલો કાનમાંથી ખેંચીને લૂંટ ચલાવી ગણતરીની સેકંડોમાં પલાયન થઈ ગયો હતો. લૂંટના બનાવથી હેપ્તાઈ ગયેલા વૃદ્ધાએ બુમાબુમ કરી હતી પરંતુ તે પહેલાં લૂંટારુ નાશી જવામાં સફળ થયો હતો. ત્યારબાદ પ્રૌઢાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એસ પી ગોહિલ તથા સ્ટાફે પ્રૌઢાના નિવેદનના આધારે લૂંટારુ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.