જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોના કારણે માસુમ બાળકોના મોત નિપજવાની ઘટના ચિંતાજનક રીતે વધતી જાય છે. તેમાં પણ ખાસ કરીને 1 થી 10 વર્ષની ઉંમરના બાળકોમાં આ વાયરસના શંકાસ્પદ લક્ષણોના કારણે ધ્રોલ અને કાલાવડ તાલુકાના ત્રણ બાળદર્દીના મોત નિપજતાં અરેરાટી ફેલાઇ ગઇ છે.
દેશભરમાં ચાંદીપુરા વાયરસનો કહેર ચિંતાજનક રીતે વધતો જાય છે. તેમાં પણ ખાસ કરીને 10 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળતાં આ ઘાતક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણોના કારણે બાળકોના મોત નિપજવાની ઘટના ચિંતાજનક વધતી જાય છે. હાલમાં જ જામનગરની જી. જી. હોસ્પિટલના બાળકોના વિભાગમાં સારવાર હેઠળ રહેલા ધ્રોલના રાજપરા ગામ તથા કાલાવડ તાલુકાના વાણિયા અને પીપળિયા ગામના બે બાળકો મળીને છેલ્લા 24 કલાકમાં 3 બાળકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા ત્રણેય બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. તેમજ ત્રણેયની ઉંમર વર્ષ 1 થી 3ની છે. શહેરમાં આ રોગચાળાના શંકાસ્દપ કેસ મળવાનું 15 દિવસો શરૂ પહેલા થયું હતું. જેમાં શહેરના ઢીંચડા રોડના રાજપાર્ક વિસ્તારની બાળકી અને દિગ્જામ સર્કલથી આગળના ગણપતનગરમાં રહેતાં 11 માસના બાળકને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરાયા બાદ રાજપાર્ક વિસ્તારની બે વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. જો કે, તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.
દરમિયાન દ્વારકાના લાંબા બંદર, કલ્યાણપુર તાલુકાના ગઢડા અને દ્વારકા પ્રોપરના 3 બાળકો પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસ તરીકે સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં આવ્યા હતા. આ ત્રણેય બાળકોનો રિપોર્ટ નેગેટીવ હોવા છતાં તેઓનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ ધ્રોલના ડાંગરાના એક બાળકે શુક્રવારે રાજકોટની હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેથી જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ રોગચાળાની હાજરી ક્ધફર્મ થઈ હતી. આરોગ્ય વિભાગે જો કે, બાહ્ય દિવાલો પ્લાસ્ટર વગરની હોય તેવા જિલ્લાના તમામ ગામોના ઘરોમાં દવા છંટકાવ અભિયાન ચલાવ્યું છે.
જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા બાળકોના મોત બાબતે 1 થી 10 વર્ષના બાળકોના વાલીઓને ખાસ અનુરોધ અને સાવચેત કરી બાળકોને તાવ આવે તો સામાન્ય ન ગણી ગંભીરતા દાખવી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પહોંચી જવું હિતાવહ છે.


