ગુજરાતમાં મે મહિનાના અંતિમ દિવસોમાં કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એક બાજુ સૂર્યદેવ કોપાયમાન થયા છે અને આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, તો બીજી બાજુ ચોમાસું વહેલું બેસી ગયું હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે.એકબાજુ સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સુરેન્દ્રનગર 44.7°C મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં 44.4°C, રાજકોટમાં 43.6°C નોંધાયું છે.તો બીજી બાજુ જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહે રાજ્યના નાગરિકોએ બેવડી ઋતુના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. આ અંતર્ગત અમદાવાદમાં કાળઝાળ ગરમીને કારણે એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદવાસીઓને ગરમીથી ખાસ રાહત નહીં મળે. અઠવાડિયાના 6 દિવસ માટે ‘યલો એલર્ટ’ અને 1 દિવસ માટે ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ કાળઝાળ ગરમીની વચ્ચે જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે. આગામી 31 મે થી 2 જૂન દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારો જેવા કે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં તેજ પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાની આશંકા છે.
હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, આગામી 24 કલાક પછી ગુજરાતના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો આંશિક ઘટાડો નોંધાઈ શકે છે. જો કે, તાપમાન ઘટવા છતાં મોટાભાગના વિસ્તારોમાં પારો 40 ડિગ્રીની ઉપર જ રહેશે, જેના કારણે લોકોને ભારે ભેજ અને અસહ્ય બફારાનો સામનો કરવો પડશે. હાલમાં જ અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 44.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. આમ તાપમાનમાં આશિક ઘટાડો, પણ ઉકળાટ યથાવત્ રહેશે.


